20 લાખનો મુદામાલ જપ્ત અન્ય ગૂનાના ભેદ ઉકેલવા પૂછપરછ શરૂ
શહેરમાં છેલ્લા દોઢ મહિનાથી બંધ મકાનોને નિશાન બનાવી લાખો રૂૂપિયાની ચોરી કરતી રીઢા ગુનેગારોની જોડીને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની આ કાર્યવાહીથી ગાંધીગ્રામ અને પ્રદ્યુમનનગર પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં થયેલી પાંચ જેટલી મોટી ચોરીના ભેદ ઉકેલાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને ગુનામાં વપરાયેલા વાહન સહિત કુલ 20 લાખ રૂૂપિયાથી વધુની કંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી વિગતો મુજબ શહેરમાં પાંચ સ્થળે ચોરી કરનાર નામચીન તસ્કર શ્રીનાથજી સોસાયટી, મવડી રોડ ઉપર રહેતા સુનિલ ઉર્ફે આર્યન ભાવેશ શિયાળ (ઉંવ 22) અને લોહાનગરના કિરણ કિશોર એદરીયા (ઉં.વ.30)ને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે આ દબોચી લીધા હતા. ક્રાઈમ બ્રાંચના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બંને આરોપીઓ મોટરસાયકલ પર સવાર થઈને શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેકી કરતા હતા. ખાસ કરીને જે મકાનો બંધ હાલતમાં જોવા મળે, તેને તેઓ પોતાનો શિકાર બનાવતા હતા. છેલ્લા દોઢ માસ દરમિયાન તેઓએ ગાંધીગ્રામના મોચીનગર પાસે આવેલી પૂજા પાર્ક સોસાયટીમાં બે મકાન, બજરંગવાડી શેરી નંબર 2માં આવેલું એક મકાન તેમજ રેલનગરની સાંઈબાબા સોસાયટીમાં બે મકાન સહિત કુલ પાંચ બંધ મકાનોને નિશાન બનાવી લાખો રૂૂપિયાની મત્તાની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂૂ.20 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સુનિલ લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં લૂંટ, ચોરી તેમજ એમ.વી. એક્ટ સહિતના કુલ 9 જેટલા ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે તેની સાથે પકડાયેલા બીજા આરોપી કિરણનો અત્યાર સુધી કોઈ ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો નથી. ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ સાથે પીએસઆઈ વી. ડી. ડોડીયા, ડી.પી.ઝાલા તથા એ. એસ. આઇ. અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા, સમીરભાઈ શેખ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ ચૌહાણ, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, ધારાભાઈ વાનરીયા, સંજયભાઇ રૂૂપાપરા, રાહુલભાઈ ગોહેલ, સુભાષભાઈ ઘોઘારી, દિપકભાઈ ડાંગર, હરસુખભાઈ સબાડ, કિશનભાઈ પાંભર તથા પોલીસ કોન્સ્ટેબલ જીલુભાઈ ગરચર, મનીષભાઈ ચાવડા, અશ્ર્વિનભાઈ પંપાણીયા, ધર્મરાજસિંહ રાણા, મહાવીરસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.
