નજીવા પ્રશ્ર્ને મારામારીમાં ઘવાયેલા લોકોને સારવારમાં ખસેડાયા
શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે જુદા જુદા 7 સ્થળે પ્રેમ પ્રકરણ, પેસેન્જર બેસાડવા અને સામુ જોવા સહિતના નજીવા પ્રશ્ર્ને મારામારી થઈ હતી. જેમાં 8 લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મંછાનગર નરસિંહનગરના ઢારીયા પાસે રહેતાં હરેશભાઈ મચ્છાભાઈ રાતડિયા (ઉ.33), ગ્રીનલેન્ડ ચોકડી પાસે પોતાની રીક્ષા લઈને ઉભો હતો ત્યારે વેલાનાથા મેવાડાએ પેસેન્જર ભરવા મુદ્દે ઝઘડો કરી માર માર્યો હતો. બીજા બનાવમાં રાજમોતી મીલ પાછળ મયુરનગરમાં રહેતાં દેવરાજભાઈ ખીમજીભાઈ રબારી (ઉ.17) પોતાના ઘર પાસે હતો ત્યારે સંજય અને અજય સહિતના શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી કાચની બોટલ વડે માર માર્યો હતો.
ત્રીજા બનાવમાં માંડાડુંગર, દેવકીનંદન સોસાયટીમાં રહેતાં સંતોષભાઈ સુરેશભાઈ શાહ, (ઉ.35)ને અભિનંદન અને મોનુ સહિતના શખ્સોએ લોખંડના સળીયા વડે માર માર્યો હતો. પ્રાથમિક તપાસમાં સંતોષ શાહ મુળ બિહારનો વતની છે અને તેના ભત્રીજા વિકાસના પ્રેમ પ્રકરણમાં માર પડયો હોવાની ફરિયાદ નોંધાવી છે.
ચોથા બનાવમાં વાવડીમાં ન્યુ જય ભારત સોસાયટીમાં રહેતાં રાહુલભાઈ ચંદુભાઈ મકવાણા (ઉ.48) પોતાના પુત્રને પાણી પુરી ખવડાવવા લઈ ગયા હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ સામુ કેમ જોવે છે તેમ કહી સ્ટીલના ગ્લાસ માર્યા હતાં.
પાંચમાં બનાવમાં પારેવડી ચોકમાં નયનભાઈ પ્રેમજીભાઈ મકવાણા (ઉ.30) સાથે જયેશભાઈએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. છઠ્ઠા બનાવમાં થોરાળામાં રહેતી દુર્ગાબેન પ્રવિણભાઈ ઠુંમર (ઉ.35) સાથે તેના પતિ સહિતના શખ્સોએ ઝઘડો કરી પથ્થર માર્યા હતાં. સાતમાં બનાવમાં લાપાસરી રોડ પર ઋષિપ્રસાદ સોસાયટીમાં રહેતાં અમરીશ નારણભાઈ ગોહેલ (ઉ.42) અને રાજુ નારણભાઈ ગોહેલ (ઉ.29) સાથે સામુ જોવા મુદ્દે થયેલા ઝઘડાના સમાધાન માટે કોઠારીયા રોડ ગોકુલ પાર્ક પાસે બોલાવી ધમો, મમલો અને સિધ્ધાર્થ સહિતના શખ્સોએ ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
