9 દિવસની સારવાર બાદ ઉપલેટાના યુવાને દમ તોડ્યો
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામનો 19 વર્ષીય યુવાન ધ્રુવ ભીખુભાઈ પરેચા નું ગોંડલના ગોમટા ગામે આવેલ જીગર કેબલ લિમિટેડ કંપનીના શેડમાં કામ કરતી વખતે અકસ્માતે પડી જતાં મૃત્યુ નીપજ્યું છે.
મળતી વિગત મુજબ, ધ્રુવ પરેયા હાલ શાપર (વેરાવળ) સ્થિત ક્રિએટિવ એર સિસ્ટમ નામની પેઢીમાં નોકરી કરતો હતો. તા. 08/05/2026ના રોજ પેઢી મારફતે મળેલા ઓર્ડર મુજબ તે ગોમટા ગામે જીગર કેબલ લી.ના શેડમાં કમ્પ્રેશન એર પાઇપ ફિટ કરવાનું કામ કરવા ગયો હતો. કામ દરમિયાન અકસ્માતે શેડ પરથી પડી જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત ધ્રુવને તાત્કાલિક પ્રથમ ગોંડલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 9 દિવસની સારવાર બાદ તા. 17/05/2026ના રોજ તેનું મૃત્યુ થયું હતું. મૃતક ધ્રુવ જોડિયા ભાઈ અને બે બહેનોમાં સૌથી નાનો હતો. તેના લગ્ન થયેલ ન હતા. 19 વર્ષની નાની ઉંમરે આશાસ્પદ દીકરાના અકાળે મૃત્યુથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.
