યુવાન અને આધેડે આત્મઘાતી પગલુ ભરી લેતા પરિવાર શોક મગ્ન
શહેરમાં વધી રહેલી મંદીના કારણે આપઘાતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આર્થિક ભીંસથી કંટાળી વેપારી સહીત વધુ બે લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ધંધો ન ચાલતા નીલકમલ પાર્કના કપડાના વેપારી અને નવા થોરાળામાં આધેડે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા બન્ને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર નીલકમલ પાર્કમાં રહેતા અને પુષ્કરધામમાં કપડાની દુકાન ધરાવતા કલ્પેશ નારણભાઇ કોરીંગા (ઉ.વ.24) નામના પટેલ યુવાને ગત રાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક કલ્પેશ બે ભાઇ એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. ધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસના કારણે ટેન્શનમાં રહેતો હતો.
કાલે રાત્રે તે ચિંતામાં હોાથી પિતાએ તું ચિંતા ન કર, જમી લે તેમ કહ્યું હતું. બાદમાં તેણે ઉપરના માળે જઇ પંખામાં પ્લાસ્ટીકની દોરી બાંધી જીવન ટુંકાવી લીધું હતું.
જયારે બીજા બનાવમાં નવા થોરાળામાં અવધ પાર્ક શેરી નં.1માં રહેતા રવજીભાઇ દાનાભાઇ મકવાણા (ઉ..50) નામના આધેડે આજે સવારે પોતાના ઘરે લાકડાની આડીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક રવજીભાઇ બે ભાઇ ત્રણ બહેનમાં વચેટ અને કારખાનામાં કામ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર છે. આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
