છરીની અણીએ બાળાને હવસનો શિકાર બનાવનાર 4 શખ્સો સકંજામાં; મોબાઈલ ફોનના આધારે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી અને માનવતાને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતી માત્ર 14 વર્ષની એક સગીરાને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમજાળ અને મિત્રતાની માયાજાળમાં ફસાવી અલગ-અલગ સમયે, અલગઅલગ સ્થળો પર સાત જેટલા નરાધમોએ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની હૃદયદ્રાવક હકીકત પ્રકાશમાં આવી છે. આ નરાધમોએ સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવીને હોટેલ, ઘર તેમજ ચાલતી કારમાં છરીની અણીએ ધાક-ધમકી આપીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ મથકમાં સગીરાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે ચાર શખ્સોને સકંજામાં લીધા હતા. આ ચકચારી બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર 14 વર્ષની સગીરાની ફરિયાદ પરથી પોલીસ ચોપડે ભારતીય ન્યાય સંહિતા અધિનીયમની કલમ 137(2), 64(2)એમ, 65(1), 70(2), 351(2), 223, 204 તથા જી. પી. એક્ટની કલમ 135(1) તેમજ પોક્સો એક્ટની કલમ 8, 6, 12, 17 મુજબ દાખલ કરવામાં આવ્યો છે.આ ચકચારી કેસમાં ફરિયાદી સગીર વયના હોય, તેમની સગીર વયની સહેલીએ એક મોબાઈલ ફોન આપ્યો હતો અને તેના આધારે આરોપી ડેવિલ ઉર્ફે સાહીલ સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. આરોપી ડેવિલે ઇન્સ્ટાગ્રામ પર સગીરા સાથે વાતચીત કરીને તેને સંપૂર્ણ વિશ્ર્વાસમાં લઈ લીધી હતી. ત્યારબાદ ગત તારીખ 29 માર્ચ 2026ના રોજ આરોપી ડેવિલ ઉર્ફે સામુહિક દુષ્કમ સાહીલે ભોગ બનનારને લેવા માટે આરોપી સાહીલને મોટરસાયકલ લઈને મોકલ્યો હતો. સાહીલ ઉર્ફે ઝેરી સગીરાને હોન્ડા મોટરસાયકલ પર બેસાડીને જંગલેશ્ર્વરમાં આવેલા પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં અગાઉથી જ આરોપી ડેવિલ ઉર્ફે સાહીલ હાજર હતો. સગીરા ત્યાં પહોંચતા જ સાહીલ ઉર્ફે ઝેરી પોતાના ઘરેથી બહાર ચાલ્યો ગયો હતો અને ઘરમાં એકલી પડેલી સગીરાને આરોપી ડેવિલ ઉર્ફે સાહીલે ડરાવી, ધમકાવીને તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં આરોપી સાહીલ ઉર્ફે ઝેરીએ તેને રૂૂમ પૂરો પાડીને અને સગીરાને બહાને લાવીને સક્રિય મદદગારી અને સહાયતા કરી હતી. આટલેથી જ આ નરાધમોનો ત્રાસ અટક્યો ન હતો. આ પ્રથમ ઘટના બાદ આરોપી સહેલીએ સગીરાનો પરિચય આરોપી મિહીર કુગશીયા સાથે કરાવ્યો હતો. મિહીરે પણ સગીરા સાથે પરિચય કેળવી તેને પ્રેમની જાળમાં ફસાવી વિશ્ર્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ ગત તારીખ 6 મે 2026 ના રોજ મિહીર સગીરાને નવા બસ સ્ટેન્ડની પાછળ આવેલી એક હોટેલ પર લઈ ગયો હતો.ત્યાં મિહીરે પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.આ દરમિયાન સગીરાની જ બાજુમાં રહેતા આરોપી રજાક ઠેબાએ પણ સગીરા સાથે પરિચય કેળવી લીધો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે તેનો સંપર્ક ચાલુ રાખ્યો હતો. તારીખ 16 મે 2026 ના રોજ રજાક સગીરાને પોતાના એક્ટિવા મોટરસાયકલ પર બેસાડીને બસ સ્ટેન્ડની પાછળ આવેલી એસ.કે. હોટેલમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમોની ક્રૂરતાની પરાકાષ્ઠા તો ત્યારપછીના દિવસે જોવા મળી હતી.તારીખ 17 મે 2026 ના રોજ આરોપી રજાક ઠેબા, ધવલ અને આશીફ શાહમદાર નામના ત્રણેય નરાધમો સગીરાને એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં બેસાડીને લઈ ગયા હતા. ચાલતી સ્વિફ્ટ કારમાં આરોપી રજાકે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી છરી બતાવી ડરાવી દીધી હતી.ત્યારબાદ કારની અંદર જ ત્રણેય આરોપીઓએ વારાફરતી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) આચર્યું હતું. આ ઉપરાંત, આ જ ગુનામાં આરોપી સુલતાન સલીમભાઇ સવાણે પણ સગીરાનો સંપર્ક કરીને તેની જાતીય સતામણી કરી હતી.આમ, આ તમામ આઠેય આરોપીઓએ ભોગ બનનાર સગીરા સાથે શારીરિક અત્યાચાર ગુજારવામાં એકબીજાને સક્રિય મદદગારી અને સહાયતા કરી હતી.આ ઘટનામાં ભક્તિનગર પોલીસના પીઆઇ જે.ડી.પરમાર અને રાઇટર એએસઆઈ નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે ત્રણ આરોપીને સકંજામાં લઈ લીધા છે.
