રાજકોટમાં નાણાની લેતી-દેતીમાં થયેલા હુમલામાં ઘવાયેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલ્ટાયો


પથ્થરના ઘા ઝીંકી ખૂની ખેલ ખેલનાર શખ્સની શોધખોળ

રાજકોટ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પૈસાની લેતી-દેતીના મામલે થયેલા ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મીરા કાસ્ટિંગ રોડ પર આવેલા રોયલ ઇનોવેશન કારખાના પાસે નજીવી વાતમાં ઉશ્ર્કેરાઈ ગયેલા શખ્સે તેના જ મિત્ર પર પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ હવે પોલીસે હત્યાની કલમ ઉમેરવા
તપાસ તેજ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ બિહારના અને હાલ રાજકોટમાં મજૂરી કામ કરતા પ્રવિણકુમાર અવધકુમાર તિવારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગત બુધવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તેમના મોટા ભાઈ સુધીરકુમાર અને આરોપી બિલાલ ભટ્ટી વચ્ચે રોડ પર પૈસાની બાબતે બોલાચાલી થઈ હતી. બંને વ્યક્તિઓ વાવડી વિસ્તારમાં આવેલી ઈંડા અને મટનની દુકાને અવારનવાર જમવા આવતા હોવાથી એકબીજાથી પરિચિત હતા.
બનાવના દિવસે દુકાન પાસે ઉભા રહીને તેઓ ઉગ્ર દલીલો કરી રહ્યા હતા. દુકાનદારો સાકીર શાહ અને અનિશ રાહીનીએ તેમને ત્યાં ઝઘડો કરવાની ના પાડતા તેઓ દુકાનથી થોડે દૂર એક ઝાડ નીચે ગયા હતા.ઝાડ નીચે મામલો વધુ બિચક્યો હતો અને આરોપી બિલાલે ઉશ્ર્કેરાઈ જઈને જમીન પર પડેલો એક મોટો પથ્થર ઉપાડી સુધીરકુમારના માથાના ભાગે ઝીંકી દીધો હતો. આ કરપીણ હુમલાને કારણે સુધીરકુમાર લોહીલુહાણ હાલતમાં ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતા, જ્યારે આરોપી બિલાલ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.હુમલા બાદ તાત્કાલિક સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી સુધીરકુમારને રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા હતા.
જો કે, હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાધા બાદ સુધીરકુમારનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. સુધીરકુમારના મોતના પગલે પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર મેઘાણીએ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મોત બાદ પોલીસે હવે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરી, નાસી છૂટેલા આરોપી બિલાલ ભટ્ટીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાછે.

રિલેટેડ ન્યૂઝ