વસતી ગણતરી માટે કોચ સહિત મનપાના 1000 કર્મચારીઓને તાલીમમાં વ્યસ્ત કરી દેવાયા
રાજકોટ મહાનગરમાં 1 જુનથી શરૂ કરવાની વસ્તી ગણતરીની મોટી કામગીરી પૂર્વે આજથી સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે તાલીમનો મોટો તબકકો પણ શરૂ થયો છે. તેના ભાગરૂપે માત્ર મનપા કચેરીમાંથી જ સમિતિ અને હાઇસ્કુલના શિક્ષકો, વર્ગ-3 અને 4ના કર્મચારીઓ, વોર્ડ ઓફિસર સહિતના ઘણા અધિકારીઓ મળી 800 થી 1000 કર્મચારીઓ આજથી ત્રણ દિવસની તાલીમમાં ચાલ્યા ગયા છે. બીજીબાજુ ભરઉનાળે અને એ પણ વેકેશનમાં ગાળામાં સ્વીમીંગ પુલના સ્ટાફને પણ તાલીમ આપવાની હોય સ્વીમીંગ પુલ બંધ કરી દેવાયા છે.
તા.1થી ડોર ટુ ડોર જનગણના કામગીરી શરૂ કરવાની છે. કોર્પો.ના અલગ અલગ વિભાગોની સાથે મનપાના સ્વીમીંગ પુલના સ્ટાફને પણ તાલીમ આપવાની હોય ભરઉનાળે અને વેકેશનમાં ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવતા તરવૈયાઓમાં દેકારો પણ બોલ્યો છે. આજે ઘણા સદસ્યોએ અધિકારીઓને રજુઆત કરી હતી. પરંતુ સ્વીમીંગ પુલમાં કોચ હાજર ન હોય ત્યારે પુલ ચાલુ રાખવા સલામત ન હોય, ત્રણ દિવસ આ સ્ટાફની ગેરહાજરીમાં તરણકુંડો બંધ રાખવા નિર્ણય લેવાયાનું અધિકારીઓએ કહ્યું હતું.
મનપાના 18 વોર્ડ ઓફિસર હેઠળ કોર્પો. સહિતના કચેરીઓના ર00થી રપ0 કર્મચારીઓનો સ્ટાફ રોકવામાં આવ્યો છે. અલગ અલગ સરકારી કર્મચારીઓએ તેમને રીપોટીંગ કરવાનું છે. ત્રણ દિવસ સુધી સવારથી મોડી સાંજ સુધી અટલ બિહારી બાજપેયી ઓડીટોરીયમ, પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, મણીયાર હોલમાં આ તાલીમ ચાલવાની છે. આથી ગુરૂવારની રજા બાદ સ્વીમીંગ પુલો તો સીધા શુક્રવારે ખુલશે.
મનપાની આરોગ્ય, મેલેરીયા શાખામાંથી પણ વર્કર સહિતનો સ્ટાફ લેવામાં આવતા ફિલ્ડ કામગીરી પર અસર થાય તેમ છે. જન્મ-મરણ વિભાગમાંથી પણ વર્ગ-3ના કર્મચારીઓને તાલીમમાં અને તે બાદ તા. 1થી વસ્તી ગણતરીમાં રોકવાના હોય, આવી અમુક આવશ્યક કામગીરી ખોરંભે પડી શકે છે. ટાઉન પ્લાનિંગ, સોલીડ વેસ્ટ સહિતની શાખાઓમાં કર્મચારીઓની તાલીમ અને તે બાદ કામગીરી પર જવા માટેના ઓર્ડર થનાર હોવાનું જાણવા મળ્યું છે. આમ છતાં ઘણી આવશ્યક કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને કામગીરીમાંથી મુકિત આપવા પણ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ખુદ મ્યુનિ. કમિશ્ર્નરોને રાજય સરકાર દ્વારા પ્રમુખ વસ્તી ગણતરી અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. આ રીતે મનપાના સ્ટાફ ઉપર મહત્વની જવાબદારી આવી છે. મ્યુનિ. કોર્પોરેશનના જુદા જુદા વિભાગોના કર્મચારીઓને આજથી ત્રણ દિવસની વસ્તી ગણતરી તાલીમમાં મોકલાયા છે. આથી કોર્પો.ના સ્વીમીંગ પુલોને પણ કોચ સહિતના સ્ટાફની ગેરહાજરીમાં બંધ કરવા પડયા છે જેથી સભ્યોમાં કચવાટ ફેલાયો છે. આવી જ સ્થિતિ રહે તો સિવિક સેન્ટરમાં લાગતી આ લાઇનો વધુ લાંબી થઇ જવાની પણ ભીતિ છે.
