રૂ.29 કરોડના ખર્ચે બન્ને શાકમાર્કેટની કાયાપલટ થઇને વેપારીઓને પરત મળે ત્યારની વાત ત્યારે પણ હાલ પરિવારનું ગુજરાન ચલાવવા જાયે તો જાયે કહા?
મનપાના ભાડુઆત એવા થડાધારકોને માત્ર 5ાંચ દિવસમાં જગ્યા ખાલી કરીનો સમય અપાયો : વૈકલ્પિક જગ્યા આપવાની રજૂઆતને બેધ્યાન કરાતા ધંધાર્થીઓમાં રોષ
બન્ને શાકમાર્કેટનું હયાત બાંધકામ અતિ ભયજનક, ડિઝાસ્ટરે આપી છે ચેતવણી
જ્યુબિલી શાકમાર્કેટ અને લાખાજીરાજ શાકમાર્કેટ બન્નેનું બાંધકામ અતિ જર્જરિત છે. ભારે વરસાદમાં દૂઘર્ટના સર્જી શકે તેવી સ્થિતિમાં હોવા અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટે ભયજનક ગણાવી છે ત્યારે આ પાંચ દાયકા જૂની બન્ને શાકમાર્કેટ રૂ.29 કરોડના ખર્ચે બે માળની બનવા જઇ રહી છે. હાલ જેટલા ધંધાર્થીઓ છે તેના કરતા બમણા વેપારીઓને સમાવી શકાશે.
રાજકોટ વર્ષો જૂની જ્યુબિલી શાકમાર્કેટ અને લાખાજીરાજ માર્કેટની રૂ.29 કરોડના ખર્ચે ધરમુળથી જ કાયાપલટ થવા જઇ રહી છે. એ પૂર્વે હાલ આ શાકમાર્કેટમાં બેસતા ગરીબ ધંધાર્થીઓને વૈકલ્પિ જગ્યા આપ્યા વગર જ જગ્યા ખાલી કરવા સતાધિશોએ અમાનવીય દંડો પછાડ્યો છે. આ તમામ ધંધાર્થીઓ વર્ષોથી મનપાના ભાડુઆત છે. શાકમાર્કેટ બે માળની બનાવવા માટે મનપાએ ટેન્ડર પણ બહાર પાડી દીધુ છે. ધંધાર્થીઓને પાંચ દિવસની અંદર જગ્યા ખાલી કરી આપવાની મહેતલ આપવામા આવી છે. નવી શાકમાર્કેટમાં સારી સુવિધા મળે ત્યારની વાત તો ત્યારે પણ હાલ પુરતુ ધંધાર્થીઓને વૈકલ્પિક સુવિધા અપ્યા વગર જ થડા ખાલી કરાવવામા આવતા ધંધાર્થીઓ રોજી રોટી કમાવવા ક્યા જાય? તે મોટો પ્રશ્ન છે. અગાઉ ધંધાર્થીઓએ મનપામાં અનેક વખત રજૂઆત કરવા છતા તંત્રએ ધંધાર્થીઓ અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર જ જગ્યા ખાલી કરી દેવાનું અલ્ટીમેટમ આપ્યુ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યુબિલી શાક માર્કેટ તોડીને રૂ. 29 કરોડના ખર્ચે બે માળની નવી માર્કેટ બનાવવા માટે ટેન્ડર બહાર પડાયા પછી છેલ્લા બે દિવસથી દબાણ હટાવ શાખા અને એસ્ટેટ શાખા દ્વારા માર્કેટ ખાલી કરવાની મૌખિક સુચના આપવામાં આવી હતી. આ પછી આજે એસ્ટેટ શાખા દ્વારા માર્કેટના તમામ થડા ધારકોને લેખિત નોટિસ આપવાનું શરૂ કરાયું છે. જો કે કેટલાંક વેપારીઓ હાજર ન હોય તેમના તડા પર નોટિસ લગાવવામાં આવી હતી.
જ્યુબિલિ શાક માર્કેટ 48 વર્ષ પહેલા બની હોય તે ભયજનક સ્થિતિમાં હોવાના બાંધકામ શાખાના અભિપ્રાય પછી માર્કેટ નવી બનાવવા બજેટમાં યોજના મુકવામાં આવી હતી. આ અનુસંધાને હવે માર્કેટ ખાલી કરાવવા નોટિસ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આજે એસ્ટેટ શાખા દ્વારા શાકમાર્કેેટના થડા ધારકોને નોટિસ આપીને સાત દિવસમાં માર્કેટ ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યુબિલી શાક માર્કેટમાં કુલ 279 થડા છે તેમાંથી 166 વેપારીઓ બેસે છે. થોડા સમય પહેલા લાખાજીરાજ શાકમાર્કેટ પણ ખાલી કરાવાઇ હતી. તેના 49 થડા ધારકોને પણ જ્યુબિલી માર્કેટમાં થડા ફાળવવામાં આવ્યા છે. આમ કુલ 215 વેપારીઓને આજે એસ્ટેટશાખાએ નોટિસ આપવાનું શરૂ કરીને આગામી સાત દિવસમાં માર્કેટ ખાલી કરી દેવા જણાવાયું છે.
