રિમાન્ડ દરમિયાન અનેક શખ્સોના નામ ખુલવાની આશંકા
સૌરાષ્ટ્ર પંથકમાં દારૂ સપ્લાય અને સંગઠિત ગુનાખોરીનું નેટવર્ક ચલાવતી કુખ્યાત અલ્તાફ છ આંગળી ગેંગ વિરૂદ્ધ કાનૂની સકંજો કસાતાં ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા આતંક અને ધાકધમકીનો પર્યાય બનેલી અલ્તાફ છ આંગળી ગેંગ વિરૂદ્ધ ઐતિહાસિક અને અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી સક્રિય આ સિન્ડિકેટના કુલ 6 સાગરીતો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી ક્રાઇમ બ્રાંચની સંયુક્ત વ્યૂહરચનાના ભાગરૂપે આ સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીના તોસીફ ઉર્ફે બાઘો અસીમભાઇ ઉમરેઠીયા , ઇમરાન ગુલાબભાઇ બેલીમ , અશોક ગોવિંદભાઇ સીંધવ , ભરત માધાવજી વાસુર અને ઇકબાલભાઇ કરીમભાઇ વડાવરીયાની ધરપકડ કરવમાં આવી હતી, ગેંગનો મુખ્ય આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઇ થઇમ હાલ ફરાર હોય જેને ઝડપી લેવા માટે પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે. પકડાયેલ પાંચ સભ્યોના 7 દિવસના રિમાન્ડ મેળવી વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્ર્નર ચૈતન્ય મંડલીકના ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઈમ ભરત બસીયાના અધ્યક્ષતામાં ક્રાઈમ બ્રાંચની ટીમ વિશેષ તપાસ ચાલવી રહી છે. ઝડપાયેલા પાંચેય આરોપીઓને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચ દ્વારા આ ગેંગના આર્થિક સ્ત્રોત, હથિયારોની હેરાફેરી અને ભૂતકાળના ગુનાઓની કડીઓ મેળવવા માટે કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. નામદાર કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પકડાયેલા તમામ પાંચ સભ્યોના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સાત દિવસ દરમિયાન પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરશે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ મામલે ખૂબ જ મોટા ખુલાસા થઈ શકે તેમ છે. રિમાન્ડ દરમિયાન અલ્તાફ છ આંગળી સાથે સીધું કે આડકતરું કનેક્શન ધરાવતા અને તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને આર્થિક રીતે પીઠબળ કે મદદ પૂરું પાડનાર અન્ય શખ્સોના નામ પણ તપાસમાં ખૂલી શકે છે. આ સિન્ડિકેટને આર્થિક ઓથ આપનારાઓ પર પણ ટૂંક સમયમાં કાયદાકીય ધોંસ બોલાવવામાં આવશે. આ ચકચારી અને હાઈપ્રો ફાઈલ ગુનાની તપાસ સામાન્ય અધિકારીના બદલે સીધી એસીપી બી.બી.બસીયાના અધ્યક્ષતામાં સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચની ખાસ ટીમ આ મામલે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વિશેષ તપાસ ચલાવી રહી છે. પોલીસની આ આક્રમક કામગીરીથી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ગુનાહિત તત્વો બેકફૂટ પર આવી ગયા છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવો વિશ્ર્વાસ નાગરિકોમાં પેદા થયો છે.
