માદક પદાર્થ અને મોબાઈલ મળી 96 હજારનો મુદામાલ જપ્ત; રિમાન્ડની તજવીજ
શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે જંગલેશ્ર્વર વિસ્તારમાં સફળ દરોડો પાડીને એક શખ્સને 86 હજારના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી ભૂતકાળમાં પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું અને બે વાર પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ, ભક્તિનગર પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે જંગલેશ્ર્વર શેરી નંબર-31 માં રહેતો ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુડો ભીખુભાઈ ઉર્ફે મહેબૂબભાઈ પઠાણ નામનો શખ્સ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો રાખીને તેનો વેપાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે મકાનની તલાશી લેતા ત્યાંથી રૂ.86 હજારનો અંદાજે પોણા બે કિલો એટલે કે ચોક્કસ માપણી મુજબ 1.735 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુડો ભીખુભાઈ ઉર્ફે મહેબૂબભાઈ પઠાણની ધરપકડ કરી હતી. ગાંજાનો જથ્થો અને આરોપીનો મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 96,750 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પકડાયેલા ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુડો ભીખુભાઈ ઉર્ફે મહેબૂબભાઈ પઠાણની પ્રાથમિક પૂછપરછ અને રેકોર્ડની તપાસમાં સામે આવ્યું છે તે સામાન્ય ગુનેગાર નથી, પરંતુ પોલીસ ચોપડે ચડી ચૂકેલો રીઢો ગુનેગાર છે. અગાઉ ચોરી અને મારામારી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યો છે. દારૂ અને મારામારીના બે જુદા જુદા ગુનાઓમાં તેની સામે અગાઉ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષ 2020 અને વર્ષ 2022 માં તેને બે વખત પાસા હેઠળ જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યો હતો. આમ, તે અગાઉ બે વખત પાસાની હવા પણ ખાઈ ચૂક્યો છે. હાલ પોલીસ એ દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે કે આરોપી આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો? આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સામેલ છે? અને તે આ જથ્થો રાજકોટમાં કોને સપ્લાય કરવાનો હતો? પોલીસ આ તમામ સવાલોના જવાબો મેળવવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે. જંગલેશ્ર્વર જેવા ગીચ વિસ્તારમાંથી નશાનો આ કારોબાર પકડાતા સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે. પી.આઈ જે.ડી.પરમાર સાથે પીએસઆઈ જે.જે.ગોહીલ , એ.એસ.આઇ. નિલેષભાઇ મકવાણા , હરવિજયસિંહ ગોહિલ, રમેશભાઇ માલકીયા, કેતનભાઇ બોરીચા, પ્રકાશભાઇ મકવાણા, નરસંગભાઇ ગઢવી, પ્રભાતભાઇ મૈયડ, નિલેશભાઇ મીયાત્રા, યોગીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ જાદવ, અરજણભાઇ પરમારે કામગીરી કરી હતી તેમજ પ્રાથમીક તપાસ કરી એફ.એસ.એલ અધિકારી કે.એમ.તાવીયાએ માદક પદાર્થ ગાંજો હોવાનો અભીપ્રાય આપેલ હતો.
