ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
ગોંડલના ઘોઘાવદર રોડ પર ધારેશ્વર ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં એક ઈકો કાર અને અર્ટિકા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગ્યા બાદ અર્ટિકા કારના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે અર્ટિકા કાર રોડ પરથી નીચે ઉતરીને સીધી પુલ નીચે ખાબકી હતી. આ દુર્ઘટનામાં બંને કારને ભારે નુકસાન પહોંચ્યું છે અને કુલ 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે 108 એમ્બ્યુલન્સ અને અન્ય ખાનગી વાહનોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત માં યાજ્ઞિક ભંડેરી (ઉંમર 27, રહે. ઘોઘાવદર): ઈકો કારના ચાલક યાજ્ઞિકભાઈ ગોંડલથી પોતાના ગામ ઘોઘાવદર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. તેમને ગોંડલની વાડોદરીયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ભૌતિક વોરા (ઉંમર 29, રહે. ઉમરાળી, જેતપુર): તેઓ અર્ટિકા કારમાં સવાર હતા અને મોટા દડવાથી ગોંડલ થઈને પોતાના ઘરે ઉમરાળી પરત ફરી રહ્યા હતા.
ગોંડલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. ભાવેશ ખૂંટ (ઉંમર 35, રહે. ઉમરાળી, જેતપુર): ભૌતિકભાઈના મિત્ર ભાવેશભાઈ પણ અર્ટિકા કારમાં સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેમને ગોંડલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત અંગેની માહિતી મળતા જ ગોંડલ શહેર અ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
