અનેક પંપમાં શોર્ટ સપ્લાય હોવાથી રસ્તા પર સવારથી કતાર, ટ્રાફિક જામની સ્થિતિ : ધંધાને ભારે અસર
ખાડી યુધ્ધના કારણે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અઘોષિત તંગીના કારણે પેટ્રોલપંપો ઉપર દિવસભર વાહનોની કતારો લાગેલી રહે છે અને વેપાર-ધંધા ઉપર પણ માઠી અસરો પડી રહી છે. પેટ્રોલપંપોને નિયત માત્રામાં જ પેટ્રોલ-ડિઝલનું વેંચાણ કરવાની પેટ્રોલિયમ કંપનીઓની મૌખિક સૂચના હોવાથી રાત્રે 9 વાગ્યા બાદ મોટાભાગના પેટ્રોલપંપો બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ટ્રેક્ટર, કેરબા અને ડીઝલના ડબ્બા લઈને ખેડૂતો પેટ્રોલ પંપ પર ઉમટી પડી છે. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ડીઝલની અછત સર્જાતા અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ ખલાસ થઈ ગયું છે. કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલ નથી ના બોર્ડ લગાવવાની ફરજ પડી છે. ખેતીની સીઝન વચ્ચે ડીઝલ ન મળતા ખેડૂતોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ ઉનાળું પાકની લણણી પુરજોશમાં ચાલુ છે. તથા ખેતરમાં વાવણી પૂર્વેના કામ, ટ્રેક્ટર ચલાવવાના કામ તેમજ પાણી ખેંચવા માટે ડીઝલની ખૂબ જ જરૂૂર છે, પરંતુ પૂરતું ડીઝલ ન મળતા ખેતીના કામકાજ પર સીધી અસર પડી રહી છે. ડીઝલ માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પૂરતું ઇંધણ મળતું નથી તેવી પણ ખેડૂતોમાં ફરિયાદ ઉઠી રહી છે.
