સાંઢિયાપુલ બેસી ગયાની અફવાએ મનપાને ધંધે લગાડી

શહેર આખાનુ મીડિયા દોડયુ, જો કે વોટર-વે માટે નાના એવા નાલા ઉપર બોક્સ કલ્વર્ટરનો સ્લેબ બ્રિજના વળાંકમાં રોડ દૂરથી નીચો દેખાતા વાતનુ વતેસર થયાનો કોર્પોરેશનના અધિકારીઓનો દાવો

રાજકોટમાં નવેસરથી જ બનેલો સાંઢિયાપુલ લોકાર્પણ થાય એ પહેલા જ પુલનો વચ્ચેનો ભાગ બેસી ગયો હોવાની એક વાત વાયુવેગે પ્રસરવા લાગતા શહેરીજનોમાં ફફડાટની સાથે મહાનગરપાલિકા તંત્ર પણ ઘાંઘુ થયુ હતુ. મીડિયા ચેનલોમાં પણ આ વાત પ્રસારિત થતાની સાથે જ મનપાના અધિકારીઓ સાંઢિયા પુલ પર દોડી ગયા હતા. વોટર-વે માટે બનાવેલા નાના એવા નાલા ઉપર બોક્સ કલ્વર્ટરનો સ્લેબ સ્હેજ એવો બેસી ગયો હોવાના અહેવાલ બાદ તંત્ર દ્વારા વધુ એકવખત ટેકનિકલ ચકાસણી પણ કરવામા આવી હતી. જો કે આ વાત માત્રને માત્ર એક અફવા જ હોય બ્રિજના નાલા પાસે ફ્લેટ કરાયેલો રસ્તો દૂરથી નીચો દેખાતા વાતનું વતેસર થયાનો કોર્પોરેશનના અધિકારીઓનો દાવો છે.
હજુ હજુ દસેક દિવસ પહેલા જ સાંઢિયાપુલ પર માટી, સિમેન્ટ, કોંક્રિટ અને લોખંડ ભરેલા 15 મોટા ડમ્પરને એકસાથે પુલ પર ઉભા રાખવામા આવ્યા હતા. આશરે 360 ટન એટલે કે 3.60 લાખ કિલો વજન એકસાથે પુલ પર ચડાવીને રાખી મુકવામા આવ્યા હતા. બ્રિજમાં કોઇ વાઇબ્રેશન આવ્યુ ન હતુ. દરમિયાન મનપામાં નવા શાસકો આવે અને લોકાર્પણનું મુર્હુત નક્કી કરે બસ તેટલી જ રાહ છે એવા સમયે જ ભયનું લખલખુ પ્રસરી જાય તેવી વાત વહેતી થઇ હતી. મનપાના પ્રોજેક્ટ ઇન્ચાર્જ અધિકારી અતુલ રાવલ સહિતના ઓવરબ્રિજ પર દોડી ગયા હતા. જો કે બ્રિજ બેસી ગયા જેવી કોઇ જ વાત નથી તેવુ તેમણે કહ્યુ હતુ. હકિકતમાં બ્રિજના એરપોર્ટ તરફના ભાગમાં બનાવેલા નાલા પરના બોક્સ કલ્વર્ટર ઉપરનો સ્લેબ ફ્લેટ હોય દૂરથી જોતા એવુ લાગે છે કે ભાગ બેસી ગયો છે. બ્રિજ સંપુર્ણપણે સલામત છે તેવો દાવો મહાનગરપાલિકાનો છે.

બ્રિજમાં કોઇ ક્ષતિ નથી, તમામ ટેકનિકલ ચકાસણી અગાઉ થઇ ચુકી છે : અધિકારી

બ્રિજના પ્રોજેક્ટ ઇન્ચાર્જ અધિકારી ઇન્ચાર્જ સિટી ઇજનેર અતુલ રાવલે કહ્યુ હતુ કે, બ્રિજનો ભાગ બેસી ગયો એ માત્રને એક અફવા છે. અમે લોકાર્પણ પૂર્વે સાંઢિયાપુલ પર માટી, સિમેન્ટ, કોંક્રિટ અને લોખંડ ભરેલા 15 મોટા ડમ્પરને એકસાથે પુલ પર ઉભા રાખવામા આવ્યા હતા. આશરે 360 ટન એટલે કે 3.60 લાખ કિલો વજન એકસાથે પુલ પર ચડાવીને રાખી મુકવામા આવ્યા હતા. બ્રિજમાં કોઇ વાઇબ્રેશન આવ્યુ ન હતુ. કે બ્રિજમાં કોઇ જગ્યાએ તિરાડ પણ પડી નથી. હકિકતમાં બ્રિજ જ્યારે જુનો હતો એ સ્થિતિએ નીચેથી નીકળતા વોટર-વે માટે પાઇપ હતા. બ્રિજ નવેસરથી બનાવતા પહેલા આ પાઇપ કાઢી તેની જગ્યાએ નાલુ બનાવાયુ છે. તેની ઉપરના બોક્સ કલ્વર્ટરનો સ્લેબ ફ્લેટ કરવામા આવ્યો છે. અહીં મનફેર એવો વળાંક પણ આવે છે. એટલા માટે દૂરથી જોતા એવુ લાગે કે તે ભાગ નમેલો છે. પણ જ્યારે એ જગ્યા પર વાહનચાલક આવે એટલે સમથળ જ લાગે. વાહનચાલકને કોઇપણ પ્રકારે જર્ક આવતો નથી

રિલેટેડ ન્યૂઝ