ડ્રાયફ્રુટથી છલોછલ રૂા.200થી 1000ની ગોલા ડીસ ખાનારને ખબર હશે કે ગોલામાં ભભરાવેલુ ડ્રાયફ્રુટ કેવી ક્વોલિટીનું છે?
રાજકોટના માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી હીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં મનપાનો દરોડો, સડેલા-જીવાતવાળા-ફૂગ ચડેલી બદામનો રૂ.12 લાખથી વધુ કિંમતનો જંગી જથ્થો મળ્યો
જીવાતે કોરી ખાધેલી, સડેલી બદામ પ્રોસેસ-ફાડિયા કરીને લુઝમાં વેંચવાનો પેઢીનો માલિક પ્રદીપ દુધાત્રા ચલાવાતો હતો કારોબાર
હવે તો હદ થઇ છે! શું ખાવુ અને શું ન ખાવુ? ગરીબોના પેટથી માંડી ધનિકોના પેટમાં સસ્તાથી માંડી મોંઘીદાટ ખાદ્યસામગ્રી હલકી ગુણવતાની અને જીવાતથી ખદબદતી હોય તો સાફસુફ કરીને વેંચી મારતા રાજકોટનો વધુ એક પાપી ધંધાર્થી બેનકાબ થયો હતો. શહેરના માધાપર ચોકડી પાસે આવેલી યોગી ઇન્ડસ્ટ્રીઝમાં હીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં મનપાની આરોગ્ય શાખાએ દરોડો પાડતા અધધધ એવી 2 ટન એટલે કે 2 હજાર કિલોથી વધુ સડેલી, ફૂગવાળી અને જીવાતોએ કોતરી ખાધેલી કદામ(ડ્રાયફ્રુટ)નો જંગી જથ્થો મળી આવ્યો હતો. અહીં ચોંકાવનારી હકિકત એ ખુલ્લી છે કે, પેઢીમાં આ રખાયેલો ડ્રાયફ્રુટનો આ માલ ગોલા, ગુલ્ફી, લચ્છીના ધંધાર્થીઓને સપ્લાય થતી હતી. અત્યાર સુધીમાં હજારો કિલો સપ્લાય પણ થઇ ચુકી છે
ગરમીમાં ઠંડક મેળવવા માટે રાત્રે ગોલાની દુકાનો પર કીડિયારાની જેમ ઉભરાતા લોકો માટે ચેતવા જેવી ચોંકાવનારી હકિકતનો આજે પર્દાફાશ થયો હતો. મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીને મળેલી માહિતીના આધારે સિનિીયર ફૂડ ઇન્સ્પેકટ હાર્દિક મહેતા સહિતના સ્ટાફે માધાપર ચોકડી પાસે આવેલી યોગી ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં હીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં દરોડો પાડ્યો હતો. અહીં સંગ્રહ કરેલ બદામ (ડ્રાયફ્રુટ)નો અંદાજિત 2,000 કી.ગ્રા જથ્થો સડેલો તથા જીવાત વાળો માલૂમ પડેલ પેઢીમાં બદામની કતરણ પ્રોસેસિંગ કરી મીઠાઇ, આઇસ્ક્રીમ તથા ગોલા જેવી ખાદ્યચીજોનો વિતરણ કરતાં વેપારીઓને વેચાણ કરવામા આવતી હોવાની કબુલાત પેઢીના ભાગીદાર પ્રદીપ દુધાત્રાએ આપી હતી.
ડ્રાયફ્રુટનો સડેલો માલ ક્યા વેંચવામા આવે છે? તેવી પુછપરછમાં પેઢીનો સંચાલક પ્રદીપ પોપટ બની ગયો હતો અને ફટાકટ બધુ ઓંકવા લાગ્યો હતો. તેમણે કબુલાત આપી હતી કે, ગોલા, આઇસ્ક્રીમ, લચ્છી કે પછી જે કોઇ ઠંડાપીણામાં ડ્રાયફ્રુટનો ઉપયોગ કરતા હોય તેવા ધંધાર્થીઓને વેંચવામા આવતી. અત્યાર સુધી સેંકડો કિલો આવી બદામ વેંચી નાખવામા આવે છે. ડ્રાયફ્રુટથી છલોછલ રૂ.200થી 1000ની ગોલા ડીસ ખાતા લોકોને કદાચ એ ખબર નહીં હોય તેના ગોલામાં ભભરાવેલુ ડ્રાયફ્રુટ કેવી ક્વોલિટીનું છે?
પરાબજાર સહિતના વિસ્તારોમાં હોલસેલરોને ત્યા પણ થતી હતી સડેલી બદામની સપ્લાય
માધાપર ચોકડીના યોગી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની હીર એન્ટરપ્રાઇઝમાં દરોડો પડ્યા બાદ એક હકિકત એવી પણ સામે આવી છે કે, શહેરની સૌથી મોટી ડ્રાયફ્રુટ બજાર પરાબજારની અનેક હોલસેલ પેઢીમાં પણ આ માલ સપ્લાય કરવામા આવતો હતો. કઇ પેઢીમાં અત્યાર સુધી કેટલો માલ સપ્લાય થયો છે તેની વિગત મેળવવા આરોગ્ય શાખા દ્વારા કડક પુછપરછ ચાલી રહી છે.
ફૂડ લાયસન્સ, જીએસટી પણ ન હતુ
સ્થળ પર જ કચરાગાડીમાં 2 ટન બદામનો કરાયો નાશ
તપાસ દરમિયાન સડેલી બાદમના વિક્રેતા હીર એન્ટરપ્રાઇઝ પેઢીના ભાગીદાર પ્રદીપભાઇ દૂધાત્રાને સ્થળ પર પૂછપરછ કરતાં તેઓ ફૂડ લાઇસન્સ કે ૠજઝ સર્ટિ. પણ ધરાવતા ન હોવાનું જણાવેલ. જે અંગે પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ વેંચાણ માટે રાખેલ જથ્થામાથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ બદામ (લૂઝ)નો નમૂનો લેવામાં આવેલ. આશરે 2,000 કી.ગ્રા બદામનો જથ્થો સ્થળ પર જઠખ શાખાના વાહનમાં જ નાશ કરવામાં આવ્યો હતો.
ભેરુનાથ, વૃંદાવન અને ન્યુ શ્રીજી આઇસ્ક્રીમમાં પણ દરોડો
મનપાની ફૂડ શાખાએ ઠંડાપીણાના અન્ય યુનિટ અને પેઢીમાં પણ દરોડો પાડવામા આવ્યો હતો. જેમા ભેરુનાથ બદામ શેક, ન્યુ શ્રીજી આઈસક્રીમ તેમજ વૃંદાવન આઈસક્રીમની પેઢી પણ ફૂડ લાયસન્સ વગર ચાલતી હોય તમામને નોટિસ આપવામા આવી હતી. આ ઉપરાંત જે.પી સોડા આઈસક્રીમ, મિલન ગોલા, પટેલ ગોલા, સંગમ ગોલા, સ્નો બોલ પોઈન્ટ, આવિષ્કાર આઈસક્રીમ, મારુતિ કોઠી આઈસક્રીમ, શ્રી બાલાજી કોઠી આઈસક્રીમ, પટેલ ગોલા, વિલેજ ટેસ્ટ ડ્રાય ફ્રૂટ ગોલા, શ્રી વૃંદાવન આઈસક્રીમ અને હરી નેચરલ કોઠી આઈસક્રીમમાં પણ ફૂડ શાખાએ તપાસ કરી હતી.
