રાજકોટ મનપાએ રાખેલી ત્રણ દિવસના તાલીમ કેમ્પમાં એકપણ સ્ટાફ ન આવ્યો, મનપાએ ત્રણેય તંત્રને ફટકારી નોટિસ
BLOની કામગીરી કરનારાની જવાબદારી વસતી ગણતરીના કામની ન હોય! તેવો જવાબ આપી ઇન્કાર કરી દીધો
જનગણનાના રાષ્ટ્ર વ્યાપી અભિયાનમાં સ્વ વસતી ગણતરી એટલે કે ઓનલાઇન ગણતરી માટે સરકાર જનજાગૃતિ સહિતના તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે બીજીબાજુ ખુદ સરકારના જ કેટલાક વિભાગો જાણે અસહકાર આંદોલન પર ઉતર્યા હોય તેમ આ કામગીરીમાં જોડાવા નનૈયો ભણી રહ્યા છે. રાજકોટમાં આવી જ હાલત વચ્ચે વસતી ગણતરીની કામગીરીમાં પ્રાંત કચેરી, શિક્ષણ અને રેલવે તંત્રે વસતી ગણતરીમાં જોડાવા ઇન્કાર કરી દીધો છે. મહાનગરપાલિકાએ ત્રણ દિવસ માટે તાલીમ કેમ્પ રાખ્યો હતો. જેમા જિલ્લા કલેક્ટરના તાબા હેઠળના દક્ષિણ અને ગ્રામ્ય મામલતદારે લેખિતમાં ઇન્કાર ર્ક્યો જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને રેલવેના ડિવિઝનલ પર્સનલ ઓફિસર (ડી.પી.ઓ.) દ્વારા પણ રાષ્ટ્રિય અભિયાનમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે.
એક દસકા બાદ કેન્દ્ર સરકાર દ્વારા જનગણના-2027નો પ્રારંભ થયો છે ત્યારે જન ગણનાના આ રાષ્ટ્રિય અભિયાનમાં સહભાગી થવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર હસ્તકના પ્રાંત અધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને રેલવેના ડી.પી.ઓ. દ્વારા ઇન્કાર કરાતાં મહાનગરપાલિકા દ્વારા આ ત્રણેય વિભાગને સત્તાવાર રીતે નોટિસ આપવામાં આવી છે. વડોદરા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર હેઠળના 71-રાજકોટ ગ્રામ્યના મતદાર નોંધણી અધિકારી તેમજ 70- રાજકોટ દક્ષિણના મતદાર નોંધણી અધિકારીએ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને લેખિતમાં પત્ર લખીને વસતી ગણતરીના કામમાંથી મુક્તિ આપવાની માગણી કરી છે. આવી જ રીતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જવાબદાર અધિકારીઓ અને કેન્દ્ર સરકારના રેલવે વિભાગના અધિકારીઓએ પણ વસતી ગણતરીના કામમાંથી મુક્તિના બહાને આ રાષ્ટ્રિય અભિયાનમાં જોડાવાનો ઇન્કાર કરી દેતા મહાનગરપાલિકા દ્વારા આ તમામ વિભાગને નોટિસ આપવામાં આવી છે.
71- રાજકોટ ગ્રામ્યના મતદાર નોંધણી અધિકારી વિમલકિર્તી ચક્રવર્તીના નામ સાથે અને 70 રાજકોટ દક્ષિણના મતદાર નોંધણી અધિકારીના હોદ્દા સાથે મહાનગરપાલિકાને લખાયેલા પત્રમાં વસતી ગણતરી કામગીરીમાં મુક્તિ આપવા પાછળ એવું કારણ દર્શાવાયું છે કે, રાજકોટ-71 ગ્રામ્યમાં વિધાનસભા મત વિસ્તારના કુલ 440 ભાગ અને રાજકોટ-70 દક્ષિણમાં 254 ભાગ આવેલા છે. ઓક્ટોબર-2025થી ફેબુ્રઆરી 2026 સુધી મતદાર યાદી ખાસ સઘન સુધારણાની કામગીરી થોડા સમય પહેલા પુરી થઇ છે. અને હાલમાં મતદાર સુધારણા અંતર્ગત બીએલઓ દ્વારા મતદારોની ખરાઇ કરીને ડુપ્લીકેટ નામ કમી કરવાની કામગીરી ચાલું છે. ત્યારે બીએલઓ અને બી.એલ.ઓ. સુપરવાઈઝર અને કર્મચારીઓને વસતી ગણતરીની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે. સાથોસાથ જે કર્મચારીઓ સ્વેચ્છાએ વસતી ગણતરીનું કામ કરવા માંગતા હોય તેઓનો આ કામગીરીના હુકમમાં સમાવેશ કરવા પણ જણાવાયું છે.
સરકારની જોગવાઇ છે, ઇન્કાર ન કરી શકાય
254 બીએલઓ અને 22 સુપરવાઇઝરો સહિતના કર્મચારીઓ સામે થઇ શકે છે જેલ સુધીની સજા
વસતી ગણતરીમાં સહકાર નહીં મળે તો કચેરીના વડા સહિતના સામે લીગલી કાર્યવાહી કરવા મનપાની તૈયારી
રાષ્ટ્રિય જનગણના -2027ના રાષ્ટ્રિય અભિયાનમાં જોડાવાનો ઇન્કાર કરનાર કોઇપણ કર્મચારી અધિકારીઓ કે સરકારી કચેરીના વડાઓ સામે એફ.આઇ.આર અને બે વર્ષની જેલની જોગવાઇ છે. આ કચેરીઓ દ્વારા વસતી ગણતરીના કામમાંથી મુક્તિ આપવાની ભલામણ સાથે રાષ્ટ્રિય કાર્યક્રમમાં જોડાવાનો આડકતરો ઇન્કાર કરાતા મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા બન્ને પ્રાંત કચેરીઓ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને રેલવે વિભાગના કર્મચારીઓનો જો સહકાર નહીં મળે તો કચેરીના વડા સહિત તમામ કર્મચારીઓ સામે ફરિયાદ કરવાનું પણ વિચારણા ચાલી રહી છે. પ્રાંત કચેરીના પત્ર બદલ જિલ્લા કલેક્ટરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.
