પ્રૌઢે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક
શહેરના રાજનગર ચોક નજીક મેઘમાયાનગરમાં રહેતા પ્રોઢે આર્થીકભીંસથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રૌઢના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રાજનગર ચોક નજીક આવેલા મેઘમાયાનગરમાં રહેતા મેહુલભાઈ દેવજીભાઈ પરમાર(ઉં 45) ગઈકાલે રાત્રે 10:30 પોતાના ઘરે એકલા હતા ત્યારે આર્થિક ભીંસમાં તેને ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તે સમયે તેમના પત્ની દક્ષાબેન, બહારગામથી આવેલી દીકરી અને દીકરો મવડી ખાતે રહેતા સગાના ઘરે જમવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતા મેહુલભાઈ લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા.મેહુલભાઈને બેભાન હાલતમાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇમરજન્સી રૂૂમના ફરજ પરના તબીબ ડો. કે. આર. કોટકે તપાસીને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ ચોકીના એચ.સી. કે. જે. પરમારે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મેહુલભાઈ દેવજીભાઈ પરમાર બે ભાઈ અને ત્રણ બહેનોમાં મોટા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મેહુલભાઈના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ઘટના અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન હેડ કોન્સ્ટેબલ એન. બી. બારૈયાએ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
