પરિવાર આસામ ફરવા ગયા બાદ ગાડી સાફ કરવા આવેલા શખ્સે ખાતર પાડ્યાની ફરિયાદ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ નજીક કિડવાઈનગર મેઈન રોડ પર આવેલી માધવ રેસીડેન્સીમાં રહેતા અને ’જય ડિજિટલ’ સાઈન બોર્ડ તથા ફોટો-ફ્રેમ બનાવવાનું કામ કરતા વેપારીના મકાનમાંથી તેમની ગાડી સાફ કરવા આવતા નેપાળી શખ્સે રૂ. 30 લાખની રોકડની ચોરી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પ્રવિણચંદ્ર હિરાલાલ અઢીયા (ઉ.વ. 74, રહે. એવન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબી)એ વીરાજ ઉર્ફે રાજ તેજબહાદુર રુમાઈ (રહે. માધવ રેસીડેન્સીના ગેટ પાસે, મૂળ નેપાળ) સામે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રવિણચંદ્રએ પોલીસને જણાવ્યું કે તે નિવૃત જીવન વ્યતિત કરે છે. તેમના પુત્ર કૌશિકભાઈ, પુત્રવધૂ મિતલબેન અને પૌત્ર ધૈર્ય રાજકોટ માધવ રેસીડેન્સીમાં રહે છે. તેમનો પુત્ર સાઈન બોર્ડ અને ફોટો-ફ્રેમ વગેરેનું કામ કરે છે. જેની કાર સાફસફાઈ કરવા આરોપી વીરાજ ઉર્ફે રાજ દરરોજ આવતો હતો. ગત તા. 8 ના રોજ ફરિયાદી તેમના પત્ની સાથે પુત્ર કૌશિકભાઈને ઘરે આવ્યા હતા. તેમનો પુત્ર પરિવાર સાથે આસામના ગુવાહાટી ફરવા જવાનો હોવાથી તા. 11 ના રાત્રે રાજકોટથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા, જ્યારે ફરિયાદી તેમના પત્ની સાથે ઘરે રોકાયા હતા. બીજા દિવસે તા. 12 ના રોજ પુત્રના ઘરને તાળું મારી તેઓ મોરબી જતા રહ્યા હતા. આજે તેમનો પૌત્ર ધૈર્ય તેના પુત્રના પાર્ટનર અમિતભાઈની પુત્રી અને અન્ય મિત્રો સાથે પરત ઘરે આવ્યો હતો. જેથી અમિતભાઈ તેની પુત્રીને તેડવા મોરબી જતાં તેઓ તેની પત્ની અને પૌત્ર ધૈર્ય સાથે અમિતભાઈ સાથે રાજકોટ આવ્યા હતા. ઘરનો લોક ખોલીને અંદર જતા સામાન અસ્ત-વ્યસ્ત જોવા મળ્યો હતો. કબાટના દરવાજા ખુલ્લા હતા, જ્યારે કબાટની તિજોરી કે જેમાં રૂ. 30 લાખની રોકડ રાખી હતી તે જોવા મળી ન હતી. ઉપર જતા અગાશીનો દરવાજો ખુલ્લો અને નકુચો તૂટેલો જોવા મળ્યો હતો, જ્યારે અગાશીમાં તિજોરી તૂટેલી જોવા મળી હતી. ઘરમાંથી રોકડ ગાયબ હતી. સોસાયટીની સીસીટીવી ફૂટેજ ચેક કરતા તા. 18 ના રોજ રાજ અને અન્ય શખ્સો સોસાયટીના ગેટ તરફ જોવા મળ્યા હતા, જેની પાસે એક બેગ હતી. એટલું જ નહીં, આરોપી ચોરીના બનાવ બાદથી ઘરેથી ગાયબ હોવાથી તેણે જ ચોરી કરી હોવાનું ખુલતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
