માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 મે,ના રોજ સવારે 11:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 19મા રોજગાર મેળાનો શુભારંભ કરાવશે. આ અવસરે પ્રધાનમંત્રી 51,000 થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરશે અને તેમને સંબોધિત પણ કરશે.
આ 19મો રોજગાર મેળો દેશભરના 47 સ્થળો પર આયોજિત કરવામાં આવશે. આ નિમણૂકો કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કરવામાં આવી રહી છે. દેશભરમાંથી પસંદગી પામેલા નવા કર્મચારીઓ રેલવે મંત્રાલય, સંચાર મંત્રાલય (ટપાલ વિભાગ), સંરક્ષણ મંત્રાલય, નાણા મંત્રાલય સહિત અન્ય વિભાગો અને મંત્રાલયોમાં નિયુક્ત કરવામાં આવશે. નવા પસંદ થયેલા કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે.
આ જ ક્રમમાં પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આયોજિત રોજગાર મેળામાં આશરે 62 નવા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે, જેમાં રેલવે વિભાગના 20 ઉમેદવારો, ટપાલ વિભાગના 16, બેંક ઓફ બરોડાના 24 અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 02 ઉમેદવારો સામેલ છે.
રાજકોટ સ્થિત જગજીવનરામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડ ખાતે આયોજિત આ રોજગાર મેળામાં ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિતિ રહેશે. આ અવસરે સ્થાનિક જનપ્રતિનિધિઓમાં સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતા શાહ તેમજ ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહેશે. રાજકોટમાં આયોજિત રોજગાર મેળાનો કાર્યક્રમ સવારે 10:15 વાગ્યે શરૂ થશે.
