સાદગી પૂર્ણ પણ જાજરમાન કાર્યક્રમ : 25 વર્ષથી સેવા બજાવતા કર્મચારીઓનું બહુમાન, પીએચડીના વિદ્યાર્થીને કોન્ફરન્સ ફી અપાશે
સૌરાષ્ટ્ર યુનિ.ના 60માં સ્થાપના દિવસની આવતીકાલે તા.23ને શનિવાર વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવનાર છે. સ્થાપના વર્ષ નિમિત્તે વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવનાર છે. યુનિ.ના 60માં સ્થાપના દિવસ પ્રસંગે આવતીકાલે સવારના 11 વાગ્યે કુલપતિ પ્રો. ઉત્પલ જોશી દ્વારા યુનિ. કેમ્પસમાં આવેલી સરસ્વતી માતાની પ્રતિમાનું પૂજન કરી પ્રથમ કુલગુરૂ અને આદ્યસ્થાપક ડો.ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાશે.
કુલપતિ પ્રો.ઉત્પલ જોશીના અધ્યક્ષસ્થાને યોજાનાર કાર્યક્રમમાં યુનિ.ના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્યો, એકઝીકયુટીવ કાઉન્સીલના મેમ્બરો, વિવિધ વિદ્યાશાખાના ડીન ભવનોના અધ્યક્ષો, અધિકારીઓ તેમજ શૈક્ષણિક અને બીન શૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
વિશ્વ વિદ્યાલયની પ્રગતિમાં યોગદાન આપનાર અને યુનિ.ને વટવૃક્ષ બનાવનાર હાલ ફરજ બજાવતા શૈક્ષણિક અને બીન શૈક્ષણિક કર્મચારીઓ કે જેઓએ આ વર્ષ 25 વર્ષ સેવાના પૂર્ણ કરેલ છે. તેઓનું અભિવાદન કરાશે.
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રો.ઉત્પલ જોશીએ જય હિન્દ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌ.યુનિ.ના હિરક જયંતિ વર્ષને અનુલક્ષીને વર્ષ દરમિયાન વિદ્યાર્થીલક્ષી વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. આ ઉપરાંત સંશોધનાત્મક પ્રવૃતિઓને વેગ મળે તે માટે પીએચડીના વિદ્યાર્થીઓ માટે ખાસ ફેસિર્લીટેશન સેન્ટરનું નિર્માણ કરાશે તેમજ પીએચડીના વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવાનો ખર્ચ પર યુનિ. ઉઠાવશે આ માટે ખાસ જોગવાઈ યુનિ.ના બજેટમાં પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિઓ માટે યુનિ.ની તમામ ભવનોને પણ અલગથી રૂા.ત્રણ -ત્રણ લાખની ગ્રાંટ ફાળવવામાં આવશે.
