બાંધકામ કાટમાળ એકત્ર કરવા RMC બનાવશે ડમ્પીંગ યાર્ડ

બિલ્ડરોએ નિયત સ્થળે બાંધકામ વેસ્ટ મોકલવાનો રહેશે : ડોર ટુ ડોર એકત્ર કરવા અલગથી વ્હીકલ મુકાશે, તેના માટે નિયત ચાર્જ લેવાશે : કાટમાળ સ્વખર્ચે મોકલવા ઇચ્છુકો પાસેથી કોઇ પ્રકારનો ચાર્જ નહીં લેવાય

રિંગરોડ-2 પર પરસાણા ચોક, મવડી, મોટામવા, એસ.ટી.વર્કશોપ પાસે, પોપટપરા, કોઠારિયામાં સ્વાતિપાર્ક પાસે અથવા મોરબી રોડ સહિત 6 જગ્યા ફાઇનલ

રાજકોટ મહાનગરપાલિકાએ બાંધકામ વેસ્ટ માટે અલગ અલગ વિસ્તારોમાં ડમ્પીંગ યાર્ડ ક્યા જ્યા સેગ્રીકેશન(અલગ અલગ મટીરીયલ્સ છુટા પાડવા) માટેના સ્ટેશન બનાવવાનો મેગા પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તેના માટે ઝોનવાઇઝ વિસ્તારની પસંદગી કરવામા આવી છે. ન્યૂ રાજકોટ એટલે કે વેસ્ટ ઝોનમાં રિંગરોડ-2 પર પરસાણા ચોક, મવડી, મોટામવા જ્યારે મધ્ય રાજકોટ(સેન્ટ્રલ ઝોન)માં એસ.ટી. વર્કશોપ અને પોપટપરા જ્યારે પુર્વ રાજકોટ(ઇસ્ટ ઝોન)માં કોઠારિયાના સ્વાતિપાર્ક નજીક અથવા તો મોરબી રોડ પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ સ્થળની પસંદગી કરી લેવામા આવી છે.
રાજકોટમાં અત્યાર સુધી બાંધકામ સાઇટનો વેસ્ટ કે કાટમાળ મનપાએ નિયત કરેલા ખુલ્લા સ્થળ પર નિકાલ કરવામા આવતો હતો. હવે બાંધકામ વેસ્ટ માટે વૈજ્ઞાનિક પધ્ધતિથી તેનો નિકાલ કરી તેની બાય પ્રોડક્ટ બનાવી શકાય તે પ્રકારે સેગ્રીકેશન સહિતની પ્રોસેશ માટે ખાસ ડમ્પીંગ યાર્ડ અને સ્ટેશન બનાવવામા આવશે. આમતો આ પ્રોજેક્ટ મનપાના ચોપડે ઘણા સમયથી પડ્યો હતો. પણ હવે કાગળ પરથી બહાર આવવા જઇ રહ્યો છે. બાંધકામ વેસ્ટ ડમ્પીંગ યાર્ડ અને સ્ટેશન માટે મનપાએ વિસ્તારવાઇઝ તેમજ પરિવહન માટે સરળતા પડે એ માટે ત્રણેય ઝોનમાં આ પ્રકારના ડમ્પીંગ યાર્ડ બનાવવામા આવશે. જગ્યા નક્કી થઇ ચુકી છે. જમીન મનપાની જ માલિકીની હોય સરકાર પાસે માગવાની પણ જરૂર નથી. માત્ર વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે ટાઉન પ્લાનીંગ શાખા પાસેથી આ જમીનનો કબજો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હસ્ત લેવા માટે પર્યાવરણ ઇજનેર પ્રજેશભાઇ સોલંકીએ દરખાસ્ત મોકલવાની તૈયારી કરી હોવાનું જાણવા મળે છે.

બાંધકામ વેસ્ટમાંથી બનશે પેવીંગ બ્લોક, લાદી, ચાપણિયા, થાંભલી, પાર્કિંગ ફ્લોરીંગ

મનપા દ્વારા ડિમોલિશન થાય કે પછી કોઇ ખાનગી આસામી જૂનુ બાંધકામ તોડીને નવુ મકાન બનાવવા ઇચ્છતા હોય તો ડિમોલિશન બાદ વધતા બાંધકામ વેસ્ટમાંથી પેવીંગ બ્લોક, લાદી, ચાપણિયા, થાંભલી, પાર્કિંગ ફ્લોરીંગ સહિતની બાય પ્રોડક્ટ બનાવવા મહાપાલિકાએ બનાવેલા પ્લાન્ટને વિકસાવવામા આવશે. પર્યાવરણ ઇજનેર પ્રજેશભાઇ સોલંકીએ જણાવ્યુ હતુ કે, હાલ નાકરાવાડીમાં 50 ટનનો પ્લાન્ટ ચાલી જ રહ્યો છે. જેમા પેવીંગ બ્લોક અને કપચી બનાવવામા આવી રહી છે. વધારાના 100 ટનનો પ્લાન્ટ બનવા જઇ રહ્યો છે. આ પ્લાન્ટ પણ નાકરાવાડીમાં જ બનાવાશે.

બાંધકામ વેસ્ટ જાહેરમાં નાખ્યો છે તો પ્લાન થશે રદ

રાજકોટમાં જુનુ બાંધકામ તોડીને નવુ બનાવવા નીકળતા કાટમાળ ઉપરાંત નવી બાંધકામ સાઇટનું વેસ્ટ મીટીરીયલ્સ જ્યા જગ્યા મળે ત્યાં આડેધડ ફેંકી દેવામા આવે છે. ખુલ્લામાં એકઠાં થતા આવા બાંધકામ વેસ્ટમાં વરસાદી પાણી ભરાવવાથી મચ્છરોનો ઉપદ્રવ તેમજ ચોમાસા સિવાયના દિવસોમાં પણ બાંધકામ મટીરીયલ્સની ઉડતી રજથી શહેર ધુળિયુ બની જાય છે. આ પ્રકારના પ્રદુષણ સામે મનપાએ કડક નીતિ બનાવી છે. જાહેરમાં બાંધકામ વેસ્ટ નાંખવા પર પ્રતિબંધ તો છે જ પરંતુ અત્યાર સુધી માત્ર દંડ જ વસુલવામા આવતો હતો પરંતુ હવેથી દંડ તો વસુલાશે જ સાથે બાંધકામ માટે મુકાયેલો પ્લાન પણ રદ કરી નાખવામા આવશે. આ શરત બાંધકામ પ્લાન મંજૂરીની પ્રક્રિયા વખતે જ મુકવામા આવશે.

રિલેટેડ ન્યૂઝ