કેન્દ્ર સરકારના પોર્ટલ પર રાજકોટ મનપા સંપુર્ણ ડેટા ટ્રાન્સફર કરી નાંખે પછી શરૂ થશે અમલવારી : જન્મના દાખલા માટે માતા-પિતાના આધારકાર્ડ ફરજિયાત આપવા સહિતના ઘણા ફેરફાર
રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ જઇને જન્મ અને મરણના દાખલા કઢાવવામા થતી કળાકૂટમાંથી મુક્તિ મળવાની છે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ કેટલાક ફેરફાર મુજબ નવા ફોર્મેટ સાથેના દાખલા અરજદારોને હવે સીધા જ ઇ-મેઇલમાં મળી જશે તેવી વ્યવસ્થા ગોઠવવામા આવી છે. જન્મના દાખલા માટે માતા-પિતા બન્નેના આધારકાર્ડ પણ ફરજિયાત કરવા સહિતના કેટલાક ફેરફાર કરવામા આવ્યા છે. જન્મતારીખના દાખલા અરજદારોને ઘરે બેઠા જ ઇ-મેઇલ મારફતે મળવાથી અરજદારોને અત્યાર સુધી મનપા કચેરીએ જઇને પ્રત્યેક કોપીના રૂ.50 આપવા પડતા હતા એ ખર્ચ પણ બચી જશે
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના નિયમ અનુસાર મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે જન્મના દાખલામાં માતા, પિતાનાં આધારકાર્ડની વિગતો સામેલ કરવામાં આવી છે. હવેે જન્મનો દાખલો લેવા જનાર દરેક માતા-પિતાએ આધારકાર્ડ આપવાનું રહેશે. આ ઉપરાંત ભવિષ્યમાં પ્રમાણપત્રો સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપે જ ઈસ્યુ થવાના હોવાથી અરજદારો માટે પોતાનું ઈમેઈલ એડ્રેસ આપવું પણ ફરજિયાત કરાયું છે. જેથી તૈયાર થયેલું ડિજિટલ પ્રમાણપત્ર સીધું ઈમેઈલ મારફત મળી જશે. અને નાગરિકો તેનો ગમે ત્યાં સત્તાવાર ઉપયોગ કરી શકશે.
જન્મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિત જોષીએ આ નવા ફેરફારો અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના પોર્ટલ પર કામગીરી શરૂ થવાથી હવે સુરક્ષાના માપદંડો વધુ ચુસ્ત બન્યા છે. નવા નિયમ મુજબ જન્મની નોંધણી કરાવતી વખતે માતા-પિતાના આધારકાર્ડની વિગતો ડેટાબેઝમાં ઉમેરવામાં આવશે. આ પ્રક્રિયાથી ઓળખની ચોકસાઈ વધશે. અને ભવિષ્યમાં કોઈપણ બાળકને પોતાના જન્મના પ્રમાણપત્રને લગતી વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. નવી ઓનલાઈન સિસ્ટમ અંતર્ગત હવે અરજદારોને કચેરીના ધક્કા ખાવામાંથી પણ મોટી રાહત મળશે. હવેથી નાગરિકોને તેઓ ફોર્મ ભરતી વખતે પોતાનું સત્તાવાર અને ચાલુ હોય તેવું ઈમેઈલ એડ્રેસ અચૂકપણે અને ફરજિયાત આપે. જેથી ડિજિટલ પ્રમાણપત્ર સીધું જ અરજદારના નોંધાયેલા ઈમેઈલ આઈડી પર મોકલી આપવામાં આવશે. નાગરિકોએ હવેથી જ્યારે પણ નવું જન્મ પ્રમાણપત્ર મેળવવું હોય કે જૂના રેકોર્ડમાં સુધારો કે અપડેટ કરાવવું હોય, ત્યારે માતા-પિતાના આધારકાર્ડ સાથે રાખવા અનિવાર્ય રહેશે. વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આધારકાર્ડની નકલો અને સાચી વિગતો સબમિટ કરવી જરૂરી છે. વેરિફિકેશન પૂર્ણ થતાંની સાથે જ ડિજિટલ કોપી સીધી ઘરે બેઠા મેળવી શકાશે.
