રાજકોટ મહાનગરપાલિકાએ મવડીમાં શ્યામલ સ્કાયલાઇફની સામે, વોર્ડ નં.1માં દ્વારકાધીશ હાઇટસ પાસે તેમજ ત્રીજા એક સ્થળ બાબરિયામાં સત્યપ્રકાશ વિદ્યાપીઠ સામે મનપાએ બનાવેલી ત્રણ ટાઉનશીપ(આવાસ યોજના)માં 31 દુકાનોની હરાજી તા.29મીએ રાખવામા આવી છે. આ ત્રણેય ટાઉનશીપ પ્રાઇમ લોકેશનમાં આવેલી છે. મવડીમાં શ્યામલ સ્કાયલાઇફ પાસે આવેલી ટાઉનશીપની 18.10 ચો.મી.ની દુકાનની અપસેટ પ્રાઇઝ રૂ.15.10 લાખ, વોર્ડ નં.1માં દ્વારકાધીશ હાઇટસ પાસેની શહીદ સુખદેવ ટાઉનશીપની 14.19 ચો.મી.ની દુકાનની અપસેટ પ્રાઇઝ 18.30 લાખ જ્યારે પ3.04 ચો.મી.ની દુકાનની અપસેટ પ્રાઇઝ રૂ.48.90 લાખ અને 50.29 ચો.મી.ની દુકાનની અપસેટ પ્રાઇઝ રૂ.46.90 લાખ રાખવામા આવી છે. જ્યારે બાબરિયામાં આવેલી સત્યપ્રકાશ વિદ્યાપીઠ સામેની કવિ કલાપી ટાઉનશીપની સરેરાશ 24.77 ચો.મી.ની દુકાનની અપસેટ પ્રાઇઝ 17.10 લાખ રાખવામા આવી છે. ત્રણેય ટાઉનશીપની કુલ 31 દુકાનની હરાજી તા.29મીએ મનપાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે કોન્ફરન્સ હોલ ખાતે રાખવામા આવી છે.
હરાજીની શરતો
ભાગ લેનાર આસામીએ હરાજીની તારીખના આગલા દિવસ સુધીમાં એસ્ટેટ વિભાગમાં અથવા હરાજીના દિવસે સ્થળ પર રૂ.2 લાખ મહાનગરપાલિકાના નામનો ચેક અથવા ડીમાન્ડ ડ્રાફ્ટથી ડિપોઝીટ કરવાની રહેશે.
ડિપોઝીટ ભરનાર આસામી જ હરાજીમાં ભાગ લઇ શકશે.
હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિનું આધારકાર્ડ, પેઢીનું ઓળખપત્ર(પાનકાર્ડ) સાથે રાખવાનું રહેશે.
દુકાન લેનાર આસામી જો સયુંક્ત અથવા તો ભાગીદારીમાં દુકાન ખરીદવા માગતા હોય તો બીજુ નામ અથવા ભાગીદારનું નામ લખવાનું રહેશે. પાછળથી નામમાં કોઇ ફેરફાર થઇ શકશે નહીં.
જે આસામી સૌથી ઉંચી બોલી બોલે અને તે મંજૂર થાય તો દુકાનની કુલ કિંમતનો 25 ટકા રકમનો ચેક સ્થળ પર જ જમા કરવાનો રહેશે.
બાકીની 75 ટકાની રકમ મનપાની સામાન્ય સભામાં ઠરાવ થયાના 60 દિવસ સુધીમાં ભરપાઇ કરી દેવાની રહેશે.
