રાજકોટમાં લાપતા ભિક્ષુકની ત્રણ દિવસ બાદ લાશ મળી આવી

મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો

શહેરના લક્ષ્મીનગર નાલા પાસે મેલડી માના મંદિર પાસે ખાડામાંથી વૃધ્ધની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક લોહાનગરમાં રહેતા હોવાનુ અને ભીક્ષાવૃતી કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓ ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયા બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મોતનુ કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ લક્ષ્મીનગર નાલા પાસે ઝૂંપડપટ્ટીમાં આવેલા ખાડામાંથી અજાણયા વૃધ્ધની લાશ મળી આવી હતી. દરમ્યાન અહીથી પસાર થતા રાહદારીનુ ધ્યાન પડતા તેમણે પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતા રેલવે પોલીસ મથકના સ્ટાફે તાત્કાલીક દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ મળતા તેઓ ગોંડલ રોડ પર જીમી ટાવર પાછળ આવેલા લોહાનગરમાં રહેતા કાલુભાઇ મેઘાભાઇ સોલંકી (ઉ.વ.80) હોવાનુ જાણવા મળ્યુ છે. મૃતક ચાર ભાઇ ત્રણ બહેનમાં મોટા અને તેમને સંતાનમાં ત્રણ દીકરા અને બે દીકરી છે. તેઓ ભીક્ષાવૃતી કરી પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. વધુ તપાસમાં તેઓ છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. દરમ્યાન આજે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મોતનુ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ