હુમલાખોર મહિલા સહિતના શખ્સો વિરૂધ્ધ તપાસનો ધમધમાટ
શહેરમાં દૂધસાગર રોડ પર મનહર સોસાયટીમાં રહેતો યુવાન પોતાની રીક્ષા લઈ રાજમોતી મીલ પાસે ઉભો હતો ત્યારે કારમાં ધસી આવેલી મહિલા સહિતના શખ્સોએ રીક્ષા હટાવવાનું કહી રીક્ષા ચાલક ઉપર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, દુધસાગર રોડ પર આવેલી મનહર સોસાયટીમાં રહેતાં મોહસીન હબીબશા શાહમદાર નામનો 34 વર્ષનો યુવાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં રાજમોતી મીલ પાસે હતો ત્યારે મંજુબેન અને તેના દિકરા સહિતના અજાણ્યા શખ્સો ધોકા પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં મોહસીન શામદાર રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને પોતાની રિક્ષા લઈ રાજમોતી મીલ પાસે હતો ત્યારે કારમાં મંજુબેન તેના બે દીકરા અને બે અજાણી સ્ત્રી ધસી આવ્યા હતાં. મોહસીન શામદારને રીક્ષા હટાવવાનું કહી ધોકા, પાઈપ અને છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
