બે વર્ષથી પોલીસને હાથતાળી આપતો હતો: રાજકોટથી દબોચી લેવાયો
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત ગોંડલ બી ડિવિઝન પોલીસે એક મોટી સફળતા મેળવી છે.
લગ્નની લાલચ આપી, ખોટા દસ્તાવેજો રજૂ કરી લાખો રૂપિયાની રોકડ અને સોનાના દાગીના પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 12/03/2024 ના રોજ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. ગોંડલમાં રહેતા ફરિયાદી કિશોરભાઈ કરશનભાઈ મેસવાણીયાના પુત્ર જયેશના લગ્ન કૌશરબાનુ ઉર્ફે પૂજા અશરફભાઈ કાનમી નામની યુવતી સાથે કરાવવાની લાલચ આપવામાં આવી હતી.
આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી, ખોટા દસ્તાવેજો ઊભા કરી ફરિયાદી પાસેથી રોકડ રકમ અને સોનાના દાગીના પડાવી લીધા હતા.
આ ગુનામાં સહ-આરોપી તરીકે અભિ સેલડીયાનું નામ ખૂલ્યું હતું. ગુનો દાખલ થયા બાદ પોતાની ધરપકડ ટાળવા માટે આ આરોપી છેલ્લા 2 વર્ષથી નાસતો ફરતો હતો.
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવાની કવાયત તેજ કરવામાં આવી હતી.
ગોંડલ બી ડિવિઝનના પીઆઇ. જી.એસ.ગઢવી નાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. મદનસિંહ જે. ચૌહાણ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ એમ.જાડેજા સતત પ્રયત્નશીલ હતા.
પોલીસ પાસે આરોપીનું માત્ર ટૂંકું નામ જ હતું. પરંતુ ટેક્નિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે તેનું પૂરું નામ અને સરનામું શોધી કાઢ્યું હતું.
પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપી અભિષેક ઉર્ફે અભિ જયસુખભાઈ સેલડીયા (ઉ.વ. 31) ને રાજકોટના બાલાજી પાર્ક ફોચ્ર્યુન હોટલ પાછળ નાં વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
આરોપી મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સીલાણા ગામનો વતની છે.
ઝડપાયેલો આરોપી અગાઉ પણ આવા જ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. તેની સામે પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને બોગસ દસ્તાવેજો બનાવવા (ઈંઙઈ 406, 420, 465, 467, 468, 471, 120ઇ) ના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
