રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને બખેડો

“ચમત્કારના નામે અંધશ્રદ્ધાનો વેપાર બંધ થવો જોઈએ” : પુરષોત્તમ પીપળીયાનો ખુલ્લો વિરોધ

રાજકોટ : રાજકોટમાં આગામી સમયમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને શહેરમાં હવે વિવાદનું વાતાવરણ સર્જાયું છે. એક તરફ કાર્યક્રમને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક સામાજિક આગેવાનો અને અંધશ્રદ્ધા વિરોધી કાર્યકરો દ્વારા ખુલ્લો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. આ સમગ્ર મામલે સામાજિક અગ્રણી અને એડવોકેટ પુરષોત્તમ પીપળીયાએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવતા કાર્યક્રમને “ધાર્મિક નહીં પરંતુ અંધશ્રદ્ધાનો મહાકુંભ” ગણાવ્યો છે.

પુરષોત્તમ પીપળીયાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીજી જો ધાર્મિક પ્રવચન કરે, સંસ્કૃતિ અને સનાતન ધર્મ અંગે લોકોમાં જાગૃતિ લાવે તો તેના સામે કોઈ વિરોધ નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચમત્કાર, દિવ્ય શક્તિ અને મેલીવિદ્યાના દાવાઓ દ્વારા લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે સમાજ માટે અત્યંત ખતરનાક છે.

તેમણે જણાવ્યું કે, “લોકોની માનસિક નબળાઈ અને ભયનો લાભ લઈને કેટલાક લોકો પોતાને ચમત્કારિક પુરુષ તરીકે રજૂ કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ લોકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને નબળો બનાવે છે. સમાજને આગળ લઈ જવાના બદલે આવા કાર્યક્રમો લોકોને ફરી અંધશ્રદ્ધાની ખાઈમાં ધકેલી રહ્યા છે.”

પીપળીયાએ વધુમાં દાવો કર્યો કે દુનિયામાં કોઈ ચમત્કાર, તાંત્રિક શક્તિ અથવા મેલીવિદ્યા જેવી વસ્તુ અસ્તિત્વમાં નથી. તેમણે કહ્યું કે, “આ બધું માત્ર લોકોમાં ભય ઉભો કરવાનો એક ઢોંગ છે. કોઈપણ ભુવા, અઘોરી કે ચમત્કારિક બાબા હોય તે કોઈનું કશું બગાડી શકતા નથી.”

તેમણે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, “જો કોઈ પાસે ખરેખર ચમત્કારિક શક્તિ હોય તો મારી સામે આવીને અજમાવે. હું દરેક પ્રકારની મેલીવિદ્યા કે તાંત્રિક શક્તિ સામે ઉભો રહેવા તૈયાર છું.” તેમના આ નિવેદન બાદ શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

પુરષોત્તમ પીપળીયાએ આક્ષેપ કર્યો કે આવા કાર્યક્રમો દ્વારા સામાન્ય લોકોમાં ડર અને અંધવિશ્વાસ ઉભો કરીને તેમનું આર્થિક તેમજ શારીરિક શોષણ કરવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને અભણ લોકો આવા દાવાઓમાં ઝડપથી વિશ્વાસ મૂકી દેતા હોય છે, જેના કારણે તેઓ છેતરપિંડીનો ભોગ બને છે.

તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, સમાજમાં “કમળ પૂજા” જેવી ખતરનાક અને અંધશ્રદ્ધા આધારિત પ્રવૃત્તિઓ દિવસેને દિવસે વધી રહી છે. લોકો ચમત્કાર અને ઉપચારના નામે મોટી રકમ ખર્ચી રહ્યા છે અને કેટલીકવાર ગંભીર શારીરિક તેમજ માનસિક નુકસાનનો ભોગ પણ બની રહ્યા છે.

સરકાર પર પ્રહાર કરતાં પીપળીયાએ જણાવ્યું કે રાજ્યમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો હોવા છતાં તેની અસરકારક અમલવારી થતી નથી. રાજકીય લાભ અને વોટબેંકની રાજનીતિના કારણે સરકાર આવા કાર્યક્રમો સામે કાર્યવાહી કરવામાં હિચકિચાટ દાખવી રહી છે.

તેમણે આક્ષેપ કર્યો કે, “પ્રશાસન જો ઈચ્છે તો આવા કાર્યક્રમોમાં ચમત્કાર અને અંધશ્રદ્ધા ફેલાવતા દાવાઓ સામે કડક કાર્યવાહી કરી શકે, પરંતુ સરકાર મૌન રહીને પરોક્ષ રીતે આવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપી રહી છે. આ સરકારની ઈરાદાપૂર્વકની નિષ્ફળતા છે.”

હાલ આ નિવેદન બાદ રાજકોટમાં બાગેશ્વર ધામના કાર્યક્રમને લઈને સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ચર્ચા અને મતભેદ વધુ તેજ બન્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ સામે આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ