ગૌચરની જમીન પર ભૂમાફિયાઓ બેલગામ
ગામના માલધારી પરિવારોની કલેક્ટરને રજૂઆત
ગોંડલ તાલુકાના કેશવાળા ગામમાં ગૌચર જમીન અને સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ અને ’ગીર ગંગા ટ્રસ્ટ’ના નામે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ મામલે ગામના પશુપાલકો અને માલધારી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. આવેદનમાં જણાવ્યા અનુસાર, નાયબ કાર્યપાલક ઈજનેર(ગોંડલ) દ્વારા કેશવાળા ગામના તળાવમાંથી કાંપ ઉપાડવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ, આ પરવાનગીનો દુરુપયોગ કરીને ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીનમાંથી મોરમ અને માટીનું મોટા પાયે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
નિયમ મુજબ ખોદકામ ડૂબ વિસ્તારમાં જ કરવાનું હોય છે, પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા ગોચર જમીનને નષ્ટ કરી દેવામાં આવી છે, જેના કારણે ગામના પશુઓના ચરિયાણ માટે ગંભીર પ્રશ્ર્ન ઉભો થયો છે. માલધારી પરિવારોએ ગામના સરપંચ, તલાટી કમ મંત્રી અને સ્થાનિક ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે જો તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર ખોદકામ બંધ કરવામાં નહીં આવે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય, તો માલધારી સમાજ દ્વારા ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ઉગ્ર આંદોલન અને ઉપવાસ કરવામાં આવશે.
