રાજકોટમાં વેપારીને કારનું નકલી ચલણ મોકલી ગઠીયાએ બેંક ખાતામાંથી 8.16 લાખ ઉપાડી લીધા

છેતરપીંડીથી બચવા વેપારીએ લેવડ દેવડની લીમીટ ઘટાડતા જનેતાના એકાઉન્ટમાં ફ્રોડ કર્યું

આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવા કીમિયા અપનાવીને નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. આવી જ ઘટના રાજકોટમાં બની છે. સાયબર માફિયાઓએ એક વેપારીને નિશાન બનાવી, તેની કારનું નકલી ઈ-ચલણ મોકલીને પલકવારમાં રૂૂપિયા 8.16 લાખની ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી છે. આ મામલે ભોગ બનનાર વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા જગન્નાથ પ્લોટ વિસ્તારમાં રહેતા અને મિતિનભાઈ જગન્નાથ પ્લોટમાં જ ’પાર્શ્ર્વ કોર્પોરેશન’ નામે પોતાનો વ્યવસાય ચલાવતા મિતિનભાઈ ચંદ્રકાંત મહેતાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યા મુજબ મિતિનભાઈને ગત તારીખ 9 મેના રોજ પોતાના મોબાઈલ નંબરને પોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયા બાદ તે જ રાત્રે તેમના મોબાઈલ પર ’એમ-પરિવહન’ ના નામે એક શંકાસ્પદ ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં દર્શાવવામાં આવ્યું હતું કે તેમની કારનું રૂૂ. 2,000 નું ચલણ ફાટ્યું છે, જે તદ્દન ખોટી વિગત હતી. મેસેજમાં ચલણ ભરવાના બહાને એક અજાણી લિંક આપવામાં આવી હતી. મિતિનભાઈએ ચલણની પતાવટ કરવા માટે જેવી આ લિંક પર ક્લિક કર્યું, કે તુરંત જ તેમના ફોનમાં એક અજ્ઞાત ફાઈલ બેકગ્રાઉન્ડમાં ડાઉનલોડ થઈ ગઈ હતી. લિંક ક્લિક થયાના બીજા જ દિવસે એટલે કે 10 મેના રોજ મિતિનભાઈના મોબાઈલ ફોન પર અલગ-અલગ ઈ-કોમર્સ સાઈટ્સ પરથી આશરે 30 જેટલા ઘઝઙ મેસેજ આવવા લાગ્યા હતા. સતત આવતા ઓટીપી મેસેજથી સતર્ક થઈને તેમણે તુરંત બેંક મેનેજરનો સંપર્ક સાધ્યો હતો. બેંક મેનેજરની સલાહને માન આપીને મિતિનભાઈએ કોઈપણ મોટું નુકસાન અટકાવવા માટે પોતાના ખાતાની દૈનિક ટ્રાન્ઝેક્શન લિમિટ ઘટાડીને માત્ર રૂૂ. 1,500 કરી નાખી હતી.
જો કે, શાતિર સાયબર ગઠિયાઓ તેમની આ ચાલથી પણ એક કદમ આગળ નીકળ્યા. તારીખ 13 મેની વહેલી સવારે સાયબર માફિયાઓએ મિતિનભાઈની માતાના પર્સનલ બેંક ખાતા તેમજ તેમની પેઢી ’પાર્શ્ર્વ કોર્પોરેશન’ ના યસ બેંક ના ખાતાને ટાર્ગેટ કર્યું હતું. વેપારીની કોઈ પણ જાણ બહાર, ગઠિયાઓએ એક પછી એક કુલ 17 જેટલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પાર પાડ્યા હતા અને ખાતામાંથી કુલ રૂૂ. 8,16,000 ની માતબર રકમ ઉપાડી લીધી હતી. પોતાના અને પેઢીના બેંક ખાતામાંથી લાખો રૂૂપિયા સાફ થઈ ગયાની જાણ થતાં જ મિતિનભાઈએ સમય ગુમાવ્યા વિના આ અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આઈટી એક્ટ અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, બેંક ખાતાની વિગતો અને આઈપી એડ્રેસના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાયબર નિષ્ણાતો અને પોલીસ તંત્ર લોકોને અપીલ કરે છે કે કોઈ પણ અજાણી લિંક, ખાસ કરીને ટ્રાફિક ચલણ, લાઈટ બિલ કે લોટરીના નામે આવતા મેસેજ પર ક્યારેય ક્લિક ન કરવું. સત્તાવાર એપ્લિકેશન કે વેબસાઈટ પર જઈને જ વિગતો ચકાસવી

રિલેટેડ ન્યૂઝ