રાજકોટમાં નિવૃત્ત ડીવાયએસપીના મકાનમાં અજાણ્યો શખ્સ હિંચકા પર સૂઈ ગયો!

પોલીસે ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી

રાજકોટ શહેરમાં રહેતા નિવૃત ડીવાયએસપી સી. પી. દલાલના કોઠારીયા ગામથી આગળ ઓમ રેસીડેન્સીમાં આવેલા મકાનમાં અનંત નામનો શખ્સ દીવાલ કુદી અંદર ઘુસી હિંચકા પર સુઈ જતાં ઝડપાઇ ગયો હતો.
આ બનાવ અંગે દેવેનભાઈ ચંદ્રવદનભાઈ- દલાલ (ઉ.વ.54, રહે. શાકુંતલ સોસાયટી શેરી નં.2, યુનિ. રોડ)એ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેના ઓમ રેસીડેન્સીમાં આવેલા મકાનમાં કોઈ રહેતું નથી. આઠ-દસ દિવસે આંટો મારવા જાય છે. વૃક્ષોને પાણી પીવડાવવા માટે જીવણભાઈ ભરવાડ રાખ્યા છે. જેણે સવારે તેમને ફોન કરી ફળિયામાં અજાણ્યો શખ્સ હિંચકા પર સુતો હોવાનું અને જાગતો નહીં હોવાનું કહેતાં તત્કાળ સ્થળ પર પહોંચી ગયા હતા. તે વખતે તે શખ્સ જાગી ગયો હતો. નામ અને મકાનમાં ઘુસવાનું કારણ પુછતાં કાંઈ જણાવ્યું ન હતું. દિવાલ કૂદીને આવ્યો છું તેટલું જ જણાવ્યું હતું. જેથી તત્કાળ આજી ડેમ પોલીસને બોલાવી હતી. જેના સ્ટાફે પુછપરછ કરતાં તે શખ્સે પોતાનું નામ અનંત જણાવ્યું હતું. અગાઉ પણ આજ મકાનમાં ચારથી પાંચ વખત નાની-મોટી વસ્તુઓની ચોરી થઈ છે. આ સ્થિતિમાં મકાનમાં ઘુસણખોરી કરનાર શખ્સનો હેતુ ચોરીનો છે કે અન્ય કઈ તેની તપાસ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ