295 બોટલ દારૂ, બે કાર અને મોબાઇલ મળી 11.33 લાખનો મુદામાલ જપ્ત
100 લિટર દારૂ ઝડપાયો
રાજકોટમાં 80 ફુટ રોડ પર નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસે 24 હજારની કિંમતનો 120 લીટર દેશી દારૂ 6 નંગ બેરલ અને 1000 લીટર આથો મળી કુલ રૂા.52750નો મુદામાલ કબજે કર્યો હતો. જે ભઠ્ઠી સાધનાબેન ચમનભાઇ સોલંકીની હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં પ્યાસીઓની પ્યાસ બુજાવવા બુટલેગરો મેદાને પડયા હોય તેમ અવાર નવાર વિદેશી દારૂના જથ્થા સાથે અનેક શખ્સોને પોલીસે દબોચી લીધા છે. ત્યારે પોલીસે જુદા જુદા 4 સ્થળે દરોડા પાડી 295 બોટલ દારૂ, બે કાર અને મોબાઇલ મળી કુલ રૂા.11.33 લાખના મુદામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટ નજીક નવાગામ આણંદપર પાસેથી દારૂ ભરેલી કાર પસાર થઇ રહી હોવાની બાતમીના આધારે બીડીવીઝન પોલીસે વોચ ગોઠવી મહેશ નાનજી રંગપરાને 21 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસે કાર, દારૂ અને મોબાઇલ મળી રૂા.544431નો મુદામાલ કબજે કર્યો હતો. બીજા દરોડામાં ભક્તિનગર પોલીસે મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતા રવિ ઉર્ફે રઘો મુળજીભાઇ મકવાણાને 15 બોટલ દારૂ અને 8 નંગ દારૂના ચપલા સાથે ઝડપી લઇ રૂપિયા 6900નો મુદામાલ કબજે કર્યો હતો. ત્રીજા દરોડામાં કાલાવાડ રોડ પર શનિવારી બજારમાંથી સમિર કેતનભાઇ ચૌહાણ (રહે.વામ્બે આવાસ યોજના કવાટર)ને રૂા.1650ની કિંમતની 11 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. ચોથા દરોડામાં કોઠારીયા મેઇન રોડ પરથી કાર ચાલક પ્રકાશ ઉર્ફે ભુરો પ્રવિણભાઇ ગુજરાતીને રૂા.80880ની કિંમતની 240 બોટલ દારૂ સાથે પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે દારૂ અને કાર મળી રૂપિયા 480880નો મુદામાલ કબજે કર્યો હતો.
