રાજકોટની ભાગોળે ટ્રક પાછળ બોલેરો ઘુસી જતા બોલેરો ચાલક યુવાનનું મોત

યુવાનના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત

રાજકોટ ચોટીલા હાઈ-વે પર માલીયાસણ નજીક ગત મોડીરાત્રે પુરપાટ ઝડપે આવતી બોલેરો ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરોનું બોનેટ ટ્રકની પાછળ ઘુસી જતાં ફાયરબ્રિગેડ બોલાવવી પડી હતી. આ ઘટનામાં બોલેરો ચાલકનું મોઢુ અને માથુ ચુંદાઈ જતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, મુળ રાજસ્થાનનો વતની અને હાલ કાલાવડના દુતારપુર ગામે રહી ટ્રક ડ્રાઈવીંગ કરતો અશોકસિંહ નેનુસિંહ રાવત (ઉ.31) નામનો યુવાન ગઈકાલે રાત્રે પોતાનો ટ્રક લઈ અમદાવાદથી કાલાવડ તરફ જતો હતો દરમિયાન રાત્રીનાં સવા બે વાગ્યાના અરસામાં રાજકોટ કુવાડવા હાઈ-વે પર માલીયાસણ નજીક પહોંચતાં પાછળથી પુરપાટ ઝડપે આવતી બોલેરો પીકઅપ તેના ટ્રકની પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેથી તેણે ટ્રક અટકાવી જોતા બોલેરો ટ્રકની પાછળ ઘુસી ગઈ હોય અને ટ્રક આગળ લેવા છતાં બોલેરો અલગ થતી ન હતી. બાદ ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને રેસ્કયુ કરી ટ્રક પાછળ ઘુસી ગયેલી બોલેરોને અલગ કરી હતી.
આ અકસ્માતમાં બોલેરોના ચાલકનું માથુ અને મોંઢાનો ભાગ ગંભીર રીતે ચુંદાઈ જતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાદમાં આ બોલેરો ચાલકનું નામ મનીષ વિજયભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે ટ્રક ચાલકની ફરિયાદ પરથી મૃતક બોલેરો ચાલક સામે બેફીકરાઈથી વાહન ચલાવી પોતાનું મોત નિપજાવવા અંગે ગુનો નોંધી પીએસઆઈ એ.બી.ઝાલાએ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ