રાજકોટ જિલ્લા ક્રાઇમ ડાયરી

મકાન મુદે યુવક પર હુમલો
રૈયાધારમાં ઈન્દીરાનગર ચાર માળીયા કવાર્ટર પાસે રહેતો ગુલાબ જેઠાભાઈ ડોડીયા (ઉ.27) નામનો યુવાન આજે સવારે ઘર પાસે હતો ત્યારે તેના મોટાભાઈ વાલજીભાઈ, ભાભી મંજુબેન અને ભત્રીજા કૃણાલે ઝઘડો કરી પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ ઈજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મકાન બાબતે ઝઘડો ચાલતાં હોય જેમાં હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.
નાણાની ઉઘરાણીમાં યુવાનને છરીના ઘા ઝીંક્યા
આ બનાવ અંગે પોલીસમાંથી નવા થોરાળા વિસ્તારમાં આવેલા ગોકુલપરામાં રહેતા દીપકભાઈ આનંદભાઈ ચાવડા નામનો 43 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં થોરાળા મેઇન રોડ પર હતો ત્યારે શૈલેષ સાગઠીયા નામના શખ્સે વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં દિપક ચાવડાએ હુમલાખોર શૈલેષ સાગઠીયાને 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતીના દિવસે ડીજેના રૂૂપિયા આપવા માટે રૂ.4000 ઉછીના આપ્યા હતા. જે રૂૂપિયાની ઉઘરાણી કરતા શૈલેષ સાગઠીયાએ દિપક ચાવડા ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ચેક રિટર્ન કેસમાં બે આરોપી નિર્દોષ
ઉર્જા ટ્રેડિંગ અને એચ.એમ.પી. ફૂડ ઇન્ક પેઢી વચ્ચે વ્યવસાયિક લેવડ-દેવડના સંબંધો હતા. ઉર્જા ટ્રેડિંગમાંથી ખરીદી કરેલ રૂૂપિયાની ચુકવણી માટે એચ.એમ.પી. ફૂડ ઇન્ક પેઢી દ્વારા રૂૂ.6.78 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક વગર વસુલાતે પરત ફરતા તે અંગે પાઠવેલી નોટીસ બજી જવા છતાં રકમની ચુકવણી નહિ કરતા ઉર્જા ટ્રેડિંગના પ્રોપ્રાઈટર જિગ્નેશભાઈ ચંદ્રકાંતભાઈ વોરા દ્વારા કોર્ટમાં એચ.એમ.પી. ફૂડ ઇન્ક પેઢીના મયુરભાઈ વસોયા અને પરેશભાઈ ગોહેલ વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને ટંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં કોર્ટ દ્વારા એચ.એમ.પી. ફૂડ ઇન્ક પેઢીના મયુરભાઈ વસોયા અને પરેશભાઈ ગોહેલને નિર્દોષ મુક્ત કરવા હુકમ હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ કેસમાં આરોપીઓ વતી પુરોહિત એસોસિએટના યુવા વકીલ કેવલ જયંતકુમાર પુરોહિત, તન્વી ભદ્રેશભાઈ શેઠ અને સહયોગી સમીર મન્સૂરી રોકાયા હતા.
બોગસ દસ્તાવેજના ગુનામાં આરોપી નિર્દોષ
નાનામવા વિસ્તારમાં આવેલ રામધામ સોસાયટીના રેવન્યુ સર્વે નં. 67 પ્લોટ નં.29ની ફરિયાદીએ સંબંધી દલાલ હસ્તક મુળ માલીક પાસેથી ખરીદી કરી હતી. જે અંગે અખબારમાં જાહેર નોટિસ આપી હતી. જે બાદ પ્લોટ ખરીદનારને જાણવા મળ્યું હતું કે આરોપીઓએ એક બીજાની મદદગારી કરી પ્લોટના બોગસ સહી સિક્કાના આધારે બોગસ દસ્તાવેજ કરી રૂા.15 લાખ ઓળવી ગયા હતાં. જે અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા કોર્ટેમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ ચાલવા પર આવતાં આરોપીના બચાાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ધ્યાને લઈ કોર્ટે પાંચ આરોપીઓને નિર્દોષ મુકત કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીના બચાવ પક્ષે યુવા એડવોકેટ પાર્થરાજસિંહ ઝાલા, રમેશભાઈ ત્રમટા અને સહાયક તરીકે કરણ કથ્રેચા અને જેવીક પડયા રોકાયા હતાં.
અકસ્માતમાં ઘવાયેલા યુવકે એક વર્ષ બાદ દમ તોડ્યો
સોખડા ગામે રહેતો સોયબ ગુલાબભાઈ મીર (ઉ.35) નામનો યુવાન આજથી એક વર્ષ પહેલા તા.10-5-2025નાં રોજ પોતાનું બાઈક લઈ વાડીએથી ચા લેવા જતો હતો ત્યારે સોખડા ગામે દિવાલ સાથે બાઈક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં તેનું માથાના ભાગે તથા શરીરે ઈજા પહોંચી હતી. એક વર્ષની સારવાર બાદ આજે સવારે તેનું હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું હતું. આ અંગે કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક સોયબ એકનો એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

રિલેટેડ ન્યૂઝ