માલ પરત માંગતા 50 ટકા રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવાની ધમકી આપ્યાની ફરિયાદ
શહેરના સંતકબીર રોડ પર ભાવસર વાડીની સામે આવેલા સન ઇમીટેશન નામના વેપારી સાથે વિશ્ર્વાસઘાત અને ધમકી આપવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રૈયા મેઇન રોડ પર વસંત મલ્હાર કોમ્પ્લેક્ષમાં રહેતા અને છેલ્લા નવ વર્ષથી ઇમીટેશનના દાગીના બનાવી પેકીંગ કરવાનો વેપાર કરતા 48 વર્ષીય વેપારી નિતીનભાઇ વિરજીભાઇ ભિમાણીએ આ અંગે રાજકોટ શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, ગત તારીખ 28 મે 2026ના રોજ બપોરે સાડા ત્રણેક વાગ્યે વેપારી પોતાની દુકાને હાજર હતા, ત્યારે ભગવતીપરા વિસ્તારના બદ્રીપાર્ક પાસે રાજલક્ષ્મી સોસાયટીમાં પાસે રહેતો નિકુલ ભરતભાઇ ચાંડેગરા નામનો શખ્સ કામની શોધમાં આવ્યો હતો.આરોપી નિકુલે પોતે ઘરબેઠા ઇમીટેશન માલનું પેકીંગ કરવાનું કામ કરતો હોવાનું જણાવી વેપારીનો વિશ્ર્વાસ જીત્યો હતો, જેના આધારે વેપારીએ તેને બીજા દિવસે તૈયાર કરીને પરત આપવાની શરતે રૂૂ. 62,000/- ની કિંમતનો ઇમીટેશનનો માલ પેકીંગ કરવા માટે સોંપ્યો હતો. બીજા દિવસે તારીખ 29 મેના રોજ વેપારીએ માલ તૈયાર થઇ ગયો હોવાનું સમજી નિકુલના મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો ત્યારે આરોપીએ પોતે નોકરી પર હોવાનું બહાનું બતાવી રાત્રે માલ આપી જશે તેમ કહ્યું હતું. જો કે, રાત્રે તેમજ ત્યારબાદના દિવસે પણ આરોપી માલ પરત આપવાના બહાનાબાજી અને ગલ્લા-તલ્લા કરતો રહ્યો હતો. હદ તો ત્યારે થઇ જ્યારે વેપારીએ કડક શબ્દોમાં માલની ઉઘરાણી કરી, ત્યારે આરોપી નિકુલ ચાંડેગરા ઉશ્ર્કેરાઇ ગયો હતો અને ફોન પર બિભત્સ બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યો હતો. આરોપીએ વેપારીને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું કે, જો સોંપવામાં આવેલા માલની કુલ કિંમતના 50 ટકા રૂૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં નહીં આવે તો તે માલ પરત આપશે નહીં અને બજારમાં વેચી નાખશે. વેપારીનો કાયદેસરનો માલ ઓળવી જઇ આર્થિક નુકસાન પહોંચાડવાની અને ધમકાવવાની આ પ્રવૃત્તિથી કંટાળીને આખરે ભોગ બનનારે ન્યાયની ગુહાર લગાવી છે.
