1.20 લાખની ચોરી કરનાર શખ્સ પાસેથી 1.45 લાખનો મુદ્દામાલ જપ્ત
રૈયા રોડ પર આવેલી તીરૂપતીનગર શેરી નંબર 05માં આ કામના ફરિયાદી મહિલાના મકાનમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરવાના ઈરાદે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ્ર્યો હતો. ઘરમાં ઘૂસેલા તસ્કરે મહિલાના પર્સમાં રાખેલા રોકડા રૂપિયા 1,20,000ની ચોરી કરી નાસી છૂટ્યો હતો. સ્પામાં નોકરી કરતી ભોગ બનનાર મહિલાએ આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ મિલ્કત સંબંધી ગુન્હાને ગંભીરતાથી લઈને ગાંધીગ્રામ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. વી.ડી. રાવલીયા,હેડ કોન્સ્ટેબલ ભવદીપસિંહ ગોહીલ,રવિભાઈ ગઢવી,રોહિતદાન ગઢવી તેમજ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર અને ચંદ્રદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને માધાપર ચોકડીથી મોરબી બાયપાસ તરફ જતા પુલ પાસે સર્વિસ રોડ પરથી શંકાસ્પદ બાઈક સાથે પસાર થતા આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેનું નામ વિદિતભાઈ રાજેશભાઈ સાચેલા (ઉંમર વર્ષ 32, ધંધો ખાનગી નોકરી, રહે. 150 ફુટ રીંગ રોડ, શીતલપાર્ક ચોક, ગોલ્ડન હાઇટ્સ એપાર્ટમેન્ટ, રાજકોટ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી કુલ રૂપિયા 1,45,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.