સિક્યુરીટી ગાર્ડ, આધેડ અને યુવાન બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ દમ તોડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હતો. તેમ વધુ પાંચ લોકોના શ્ર્વાસથંભી ગયા છે. જેમાં અટલ સરોવર ખાતે સિક્યુરિટી ગાર્ડ, મિત્રને મળવા ગયેલા આધેડ અને યુવાન સહિત પાંચ લોકોને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડતા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર ઘંટેશ્ર્વરમાં આવેલા 25 વારસીયામાં રહેતા પંકજભાઇ રાજુભાઇ વાઘેલા (ઉ.વ.42) ચારેક વાગ્યાના અરસામાં અટલ સરોવર ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જયા તેનુ મોત નીપજ્યુ હતું. યુવકના મોતથી બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
બીજા બનાવમાં વિંછીયાના અજમેર ગામે રહેતા લાખાભાઇ વજાભાઇ સોહલા (ઉ.વ.45) છાસીયા ગામે તેના મિત્રના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે જોઇ તપાસી પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક લાખાભાઇ સોહલા બે ભાઇ એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.
ત્રીજા બનાવમાં થોરાળામાં રહેતા નવધણભાઇ લક્ષ્મણભાઇ મેવાડા (ઉ.વ.53)સંતકબીર રોડ પર ગઢીયા નગરમાં મિત્ર વિશાલ પરમારના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ હાર્ટએટેકથી મોત નીપજ્યુ હોવાનુ તબીબે જાહેર કર્યુ છે. મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે.
ચોથા બનાવમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા અતુલભાઇ ગોરધનભાઇ ઉકેડીયા (ઉ.વ.37)ને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પાંચમાં બનાવમાં રાજનગર ચોક પાસે આવેલા શ્રીકોલોનીમાં રહેતા રાજુભાઇ જીવાભાઇ માળવી નામના 54 વર્ષના આધેડ બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જયા તબીબે આધેડને હૃદયરોગના હુમલથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કરતા પરિવારશોકમાં ગરકાવ થઇ ગયો હતો.
