વરસાદ ખેંચાય તો પાણી પાણીના ધાંધિયા થવા ન જોઇએ, મનપાના પદાધિકારીઓએ આગોતરા આયોજન માટે આપ્યો આદેશ
રાજકોટ મહાનગરને રાજ્ય સરકારે સૌની યોજના અંતર્ગત પાણીનું વર્ષોથી કાયમી સુખ કરી દીધુ છે. હવે રાજકોટમાં કોઇ આકસ્મિક સંજોગો સિવાય પાણીના ધાંધીયા હવે ભુતકાળ બન્યા છે. આમ છતાં અનેક વિસ્તારમાં સ્થાનિક વિતરણ વ્યવસ્થામાં ર0 મીનીટ પુરતું પાણી ન મળવું, દુષિત પાણી સહિતની સમસ્યા હોવાનો પડઘો નવા ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્ય અને ઇજનેરોની બેઠકમાં પડયો હતો. શહેરભરમાં દુષિત પાણી, ધીમા ફોર્સથી પાણી મળતુ હોવા સહિતની ફરિયાદોનો ધોધ વધ્યો છે. જેનો દેકારો મેયર ડો.નેહલ શુક્લ અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની હાજરીમાં શહેરના તમામ નવા નગરસેવકો અને મનપાના ત્રણેય ઝોનના સિટી ઇજનેરો તથા વોટર વકર્સ શાખાના અધિકારીઓની મળેલી મિટિંગમાં પાણીની સમસ્યા અંગેનો દેકારો સંભળાયો હતો. મોટા ભાગના કોર્પોરેટરોએ પુરતુ અને શુધ્ધ પાણી આપવા વાત પહોંચાડી હતી, તો સંતોષકારક નાગરિક સેવાઓ પૂરી પાડવા પદાધિકારીઓ આવી બેઠક સાથે મોનીટરીંગ કરતા રહેશે તેવું મેયર ડો.નેહલ શુકલએ જણાવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને વધુ સારી અને સમયબદ્ધ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી મહત્વની બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન શહેરમાં પીવાના પાણીના વિતરણ વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. દરેક વોર્ડમાં શહેરીજનોને નિયમિત અને પૂરતા દબાણ સાથે દરરોજ 20 મિનિટ સુધી પાણીનું વિતરણ સુનિશ્ચિત થાય તે માટે અધિકારીઓને જરૂરી આયોજન કરવા અને સતત મોનિટરિંગ રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરીજનોને ચોખ્ખું પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે પાણી પુરવઠા વ્યવસ્થાની નિયમિત તપાસ, પાઇપલાઇન મેઇન્ટેનન્સ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને વોર્ડ વિસ્તારમાં પાણી વિતરણમાં જરૂરી તકેદારી રાખવા વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પાણીની ગુણવત્તા સંબંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદોને તાત્કાલિક ધોરણે નિવારવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. નાગરિકોને વધુ ગુણવત્તાસભર, પારદર્શક અને કાર્યક્ષમ નાગરિક સેવાઓ પૂરી પાડવા માટે પદાધિકારીઓ દ્વારા સમયાંતરે આ પ્રકારે સમીક્ષા બેઠકો યોજી વિવિધ વિકાસલક્ષી અને જાહેર સુવિધાઓ સંબંધિત કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવશે તેમ જાહેર કરાયું હતું. આ બેઠકમાં મેયર ડો. નેહલ શુક્લ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડે. મેયર દક્ષાબેન વસાણી, સ્ટે.ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા દંડક સંજયસિંહ રાણા, તમામ વોર્ડના કોર્પોરેટરો, તમામ સિટી એન્જિનિયરો અને ટેકનિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
ફૂડના નમુનાની ઢોલ પીટીને જાહેરાત પણ પાણીના રીપોર્ટ ‘ગોપનીય’ કેમ!
રાજકોટમાં પીવાના પાણીની શુધ્ધતા અને અનિયમિતતા અંગે કાયમ ફરિયાદો આવતી રહે છે. ચૂંટાયેલા લોકો અને ધારાસભ્યની અધિકારીઓ સાથેની બેઠકમાં પણ તેનો પડઘો પડયો હતો. વાસ્તવમાં દુષિત પાણીની સમસ્યા કેટલી ગંભીર છે તે દર સપ્તાહે કરવામાં આવતા કલોરીન ટેસ્ટના આંકડા પરથી પણ માલુમ પડે છે. પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે અલગ અલગ વોર્ડ અને વિસ્તારમાંથી પાણીના કુલ 2419 કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કયા વોર્ડના કઇ શેરીના પાણીના નમુના દુષિત છે તે નાગરિકોને તો માલુમ જ પડતું નથી. ફૂડના નાશ અને સેમ્પલ પાસ-નાપાસની માહિતીની જેમ આ સત્ય પણ જાહેર કરવાની વિશાળ હિતમાં જરૂર છે.
