પાયલોટની સમયસુચકતાથી મોટી દુર્ઘટના ટળી
ઉડાન ભરતી વખતે બર્ડ હિટ થયું: વિમાનના એન્જિન ફેનને મોટુ નુક્સાન : 124 યાત્રીઓ સુરક્ષિત
આજે રાજકોટના હીરાસર એરપોર્ટ પર વિમાન દુર્ઘટના ટળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ સાથે ટેક ઓફ દરમિયાન બર્ડ હીટ થતાં વિમાનના પ્રોપલરના ફેનની બ્લેડને નુક્શાન થયું હતું. જો કે પાયલોટ સમય સુચકતા વાપરી સુરક્ષિત ઈમરજન્સી લેન્ડીંગ કર્યુ હતું.
રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન અચાનક પક્ષી અથડાવાની (બર્ડ હિટ) ઘટના સામે આવી હતી. આ અકસ્માતને પગલે વિમાનમાં તાત્કાલિક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જોકે, પાયલોટે ભારે સતર્કતા અને કુશળતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવી લેતા એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્ર્વાસ લીધો હતો. મળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા. વિમાન રનવે પરથી હવામાં ફંટાયું કે તુરંત જ એક પક્ષી સીધું એન્જિના પંખા સાથે અથડાયું હતું.
પક્ષી ખૂબ જ સ્પીડમાં અથડાવાને કારણે વિમાનના એન્જિન ફેનની બ્લેડને મોટું નુકસાન પહોંચ્યું હતું. પક્ષી અથડાવાની સાથે જ પાયલોટને એન્જિનમાં ટેક્નિકલ ખામી અને ક્ષતિ સર્જાઈ હોવાની ચેતવણી મળી ગઈ હતી. હવામાં જ એન્જિનમાં ખામી સર્જાતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ પાયલોટે જરાય ગભરાયા વિના સમયસૂચકતા વાપરીને વિમાન પર કાબૂ મેળવ્યો હતો અને તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (અઝઈ)નો સંપર્ક કરીને વિમાનને સુરક્ષિત રીતે રનવે પર પાછું ઉતારી લીધું હતું. પાયલોટની આ ત્વરિત કામગીરીના કારણે દુર્ઘટના થતાં અટકી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એર ઈન્ડિયાના વિમાનના પંખા (એન્જિન ફેન બ્લેડ) વિસ્તારમાં મોટું નુકસાન થયું હોવાની વિગતો એન્જિનિયરો દ્વારા સામે આવી છે અને હાલ વિમાનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
