મેયરની પસંદગીમાં જેવો અપસેટ થયો તેવો જ સિનારિયો 15 ચેરમેનમાં થશે કે કેમ? ભારે ઇંતેજારી: સમિતિની રચના માટે પ્રદેશનું મવડી મંડળ પણ ચકરાવે ચડ્યુ, નામ જાહેર કરવામા સંભવત હજુ અઠવાડિયુ નીકળી જશે
રાજકોટ મહાનગરપાલિકામાં મેયર સહિત મુખ્ય પાંચ નવા પદાધિકારીઓની નિમણુંકને 11 દિવસ થઇ ચૂકયા છે ત્યારે આ નિમણુંક જેટલો જ વિલંબ પેટા સમિતિઓની રચનામાં થયો છે. હવે આવી પેટા સમિતિઓના ચેરમેનોના નામ પણ પ્રદેશમાંથી મંજૂર કરવાના હોય, આવતા અઠવાડિયામાં બોર્ડ મળે અને ચેરમેન સહિતના સભ્યોના નામ નકકી થાય તેમ માનવામાં આવે છે.
ગઇકાલે રાજકોટ કોર્પો.ના પદાધિકારીઓ, ભાજપ પ્રમુખ માધવ દવે સહિતના હોદ્દેદારો મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, ના.મુખ્યમંત્રીને મળ્યા હતા. આ સમયે સંગઠનના લોકો સાથે પેટા સમિતિઓ અંગે ઔપચારિક ચર્ચા થઇ હતી.
પાંચ પદાધિકારી અને સ્ટે.કમીટીના બાકીના 11 સભ્યો સિવાયના 49 કોર્પોરેટરોના નામ પ્રદેશને આપવામાં આવ્યા છે. રાજકોટ સંગઠન દ્વારા મુકાયેલા નામ પર પ્રદેશ સંગઠન મ્હોર મારશે અથવા સામાન્ય ફેરફાર કરશે. તા.11ના રોજ સંગઠન મહામંત્રી અનિરૂધ્ધ દવે રાજકોટ આવવાના છે ત્યારે બાકીની ચર્ચા થઇ જશે તેમ જાણવા મળ્યું છે.
મનપાની ટાઉન પ્લાનિંગ, બાંધકામ, સોલીડ વેસ્ટ, વોટર વર્કસ, ફાયર, આરોગ્ય, સમાજ કલ્યાણ જેવી સમિતિ વધુ મહત્વની માનવામાં આવે છે. આથી સારી લીડે ચૂંટાયેલા કે સિનીયરને આવી સમિતિઓમાં સ્થાન મળી શકે છે. પેટા સમિતિઓમાં વધુ મહિલાઓને તક પ્રદેશ આપશે તેવું પણ સમજવામાં આવે છે.
