સંખ્યાબંધ બેઘર પરિવારોને અન્ય વિસ્તારમાં હજુ સુધી ભાડે મકાન મળ્યા નથી, સગા-સંબંધીઓની રહેમરાહ હેઠળ લઇ રહ્યા છે આસરો, મેયરને રૂબરૂ મળીને ઠાલવ્યો આક્રોષ
રાજકોટના ઇતિહાસનું સૌથી મોટા ડિમોલિશનની ધણધણાટી જંગલેશ્વરમાં થઇ હતી. રાજકોટના સંવેદનશીલ જંગલેશ્વર વિસ્તારમાં કુલ 1504 બાંધકામો તોડી પાડવામા આવ્યા હતા. હજુ પણ કલેકટર હસ્તકની જમીન પર ઉભેલા બાંધકામોનું ડિમોલિશન જંગલેશ્વર-પાર્ટ 2 બાકી જ છે. ડિમોલિશનગ્રસ્ત અનેક પરિવારોને હજુસુધી ભાડે આશરો મળ્યો નથી. અન્ય વિસ્તારમાં કોઇ ભાડે આપતુ નથી. સગા-સંબંધીઓને ત્યા નિમાણા થઇને આશરો મેળવવા મજબૂર થયા છે. 80 ફુટ રોડ પર સોરઠીયા વે-બ્રીજથી છેક કોઠારીયા રોડ પર કેદારનાથ પાછળના ભાગ સુધી એકતા કોલોની, જંગલેશ્વરની 30 શેરીઓ, સરદાર પટેલ સ્મશાનથી શરૂ કરીને 15 મીટરના રસ્તે, બુદ્ધનગર-1થી રાધાકૃષ્ણનગર શેરીનં.18માં આ ડિમોલીશન હાથ ધરાયું હતું. હાલ ટીપીનાં રોડના કામ માટે તૈયારી ચાલી રહી છે. ભવિષ્યમાં રિવરફ્રન્ટને કામ આવે તેવી નદીના પટની કામગીરી બાદમાં હાથ પર લેવાશે.માંડ 20 ફૂટ બચેલો રોડ કાટમાળ હટયા બાદ પાકો 50 ફૂટનો બનાવવામાં આવનાર છે. દરમિયાન મનપાની ચૂંટણી પૂરી થતા જ હવે જંગલેશ્વર ડિમોલિશન પાર્ટ-2ની કલેકટર તંત્ર દ્વારા તૈયારી ચાલતી હોવાનું કહેવાય છે. મનપાની માલિકીની જમીન અને ટીપીના રોડ ખુલ્લા કરવામા આવ્યા બાદ હવે સરકારની જગ્યા એટલે કે કલેકટર તંત્ર હસ્તકની જમીન પર ખડકાયેલા બાંધકામ દૂર કરવા માટેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. સંભવિત અસરગ્રસ્તોએ આ ડિમોલિશન અટકાવવા માટે અદાલતના દરવાજા પણ ખટખટાવ્યા હતા. કોર્ટે હંગામી સ્ટે આપ્યો હતો. સ્ટે એવા મતલબનો હતો કે, પહેલા અરજદારોને સાંભળવાની તક આપો. અરજદારોનું હીયરીંગ પણ થઇ ચુક્યુ છે. કોર્ટના સ્ટેની મુદત પણ ઉઠી ગઇ છે.
દરમિયાન આજે જંગલેશ્વરના ડિમોલિશનગ્રસ્ત રહેવાસીઓ મનપા કચેરીએ આવ્યા હતા. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં કચેરીમાં ધામા નાંખ્યા હતા. તેમાથી 10થી15 વ્યક્તિનું પ્રતિનિધિ મંડળ મેયર ડો.નેહલ શુક્લને મળ્યુ હતુ. મનપાની આવાસ યોજનામાં ક્વાર્ટરની ફાળવણી કરવા માટે અસરગ્રસ્તોએ માગણી કરી હતી. મેયરે પ્રત્યુતર આપતા કહ્યુ હતુ કે, અસરગ્રસ્તોને અન્યાય નહીં થાય. સરકારી આવાસ માટે પાત્રતા ધરાવતા હોય તેવા તમામ પરિવાર ફ્લેટ માટે ફોર્મ ભરી શકશે.
જંગલેશ્ર્વરનો આખો વોર્ડ ભાજપે ગુમાવ્યો છે, કોંગ્રેસ શાસિત આ વિસ્તારના અસરગ્રસ્તોને ન્યાય મળશે?
મનપાની ગત ચૂંટણીમાં ભાજપને જંગલેશ્વર ડિમોલિશનને લઇને મોટુ નુકસાન વેઠવુ પડ્યુ છે. આખે આખો વોર્ડ ભાજપના હાથમાંથી ગયો છે. અહીં તમામ ચારેય બેઠક પર કોંગ્રેસના નગરસેવકો ચૂંટાયા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યુ કે, જંગલેશ્વરને આવરી લેતા કોંગ્રેસ શાસિત આ વોર્ડના અસરગ્રસ્તોને આવાસ યોજનાનો લાભ મળશે કે કેમ?
