સતત ત્રીજા દિવસે પોર્ટલ આધારિત નેટવર્કિંગ સિસ્ટમ ઠપ્પ, ટોકન લેવા 8 વાગ્યાથી લાઇનમાં ઉભેલા અરજદારોએ પિતો ગુમાવ્યો, ભાજપ હાય..હાય..ના સુત્રોચ્ચાર, મેયરનો હુરિયો બોલાયો
ત્રણ-ચાર દાખલા માંડ નીકળે ત્યા સર્વર ડાઉન, સિક્યુરિટી સ્ટાફ સાથે લોકો બાખડી પડતા મહિલાઓનુ બાવડુ પકડાયુ, મેયરે દોડી જઇ મામલો થાળે પાડ્યો
રાજકોટ મનપાના સિવિક સેન્ટરમાં એક સંધાય ત્યાં તેર તૂટે જેવી હાલત વચ્ચે જન્મ-મરણના દાખલા કઢાવવામા જ્યારથી કેન્દ્ર સરકાર આધારિત પોર્ટલની નવી વ્યવસ્થા અમલી બની છે ત્યારથી ભારે અંધાધૂંધી સર્જાઇ રહી છે. સર્વરમાં એક પછી એક નવા ટેકનિકલ ધાંધિયા આવ્યા રાખે છે. છેલ્લા ત્રણ દિવસથી પોર્ટલ કોમામાં સરી પડ્યુ હોય તેવી હાલત છે. ક્યારેક જન્મના દાખલા નીકળે તો મરણના દાખલા નથી નીકળતા અને મરણના દાખલા નીકળે તો જન્મના દાખલા નથી નીકળતા. ક્યારેક તો માંડ ત્રણ-ચાર દાખલા નીકળે એટલે સર્વર સંપુર્ણ કોમામાં ચાલ્ય જાય! સર્વરમાંથી લાગઆઉટ થઇ જાય. આજે તો સંપુર્ણ નેટવર્કિંગ સિસ્ટમ ઠપ્પ થઇ જતાં અરજદારોમાં દેકારો બોલી ગયો હતો. સંખ્યાબંધ અરજદારોની ભીડ જામી ગઇ હતી. તેમાથી અપંગો, વૃધ્ધો અને કાંખમાં બાળકોને તેડીને આવેલી મહિલાઓ કલાકો સુધી અંગ દઝાડતી લૂ અને આકરા તાપના ભઠ્ઠાશેકમાં સેકાયા હતા. સિવિક સેન્ટરમાં જવા માટેની ધક્કામુકીમાં સિક્યુરિટી સ્ટાફ સાથે અરજદારો બાખડી પડ્યા હતા. સિક્યુરિટી સ્ટાફે એક મહિલાનુ બાવડું પકડી લેત મામલો બિચક્યો હતો. એક તબક્કે તો રોષથી આગબબુલા થયેલા અરજદારોનો પિતો જતા મેયરનો હુરિયો બોલાયો હતો. ભાજપ હાય..હાય..ના સુત્રોચ્ચાર પણ થયા હતા. અંતે મેયર ડો.નેહલ શુક્લ અને શાસકપક્ષના નેતા હિરેન ખીમાણિયાને સિવિક સેન્ટરમાં દોડી આવવાની ફરજ પડી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ જઇને જન્મના દાખલા કઢાવવા એટલે સાત કોઠા વીંધીને પસાર જેવી હાલત, લાંબી લાઇનો, સર્વર ડાઉનની કાયમી રામાયણ, માંડ કરીને વારો આવે તો ઓપરેટર સ્ટાફ મનફાવે ત્યારે રિસેષ પાડી દેતા હોવાની કાયમી કકળાટ, અરજદારોની હેરાનગતિનો કોઇ પાર નહીં. કેન્દ્ર સરકારના આદેશ મુજબ જન્મના દાખલા માટે થયેલા કેટલાક ફેરફાર મુજબ નવા ફોર્મેટ સાથેના જન્મતારીખના દાખલા અરજદારોને હવે સીધા જ ઇ-મેઇલમાં મળી જશે તેવી વ્યવસ્થા ગોઠવવામા આવતા અરજદારોને એવી અપેક્ષા હતી કે અત્યાર સુધી જે હેરાનગતિ થતી હતી તેમાથી છૂટકારો મળશે. પરંતુ આ નવી વ્યવસ્થામાં પણ હેરાનગતિની કઠણાઇ ચાલુ જ રહી છે.
