પી.જી.વી.સી.એલ. દ્વારા સામુહિક ટ્રાન્સફરના ઓર્ડર કઢાતા કર્મચારીઓમાં નારાજગી

વરસાદની સિઝનમાં વર્ક ટુ રૂલ અને આંદોલનની ચિમકી : યુનિયન દ્વારા એમ.ડી.ને રજૂઆત કરાઈ

પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે અને એક જ વિભાગમાં ફરજ બજાવતા તમામ કેડરના કર્મચારીઓની સામૂહિક બદલી માટે આપેલ આદેશ સામે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ (એજીવીકેએસ) એ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે. સંઘે મેનેજિંગ ડિરેક્ટરને લખેલા તાકીદના પત્રમાં આ મનમાના અને અન્યાયી આદેશને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની માંગ કરી છે. સંઘે પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે કર્મચારીઓએ સોલારને સંલગ્ન પાંચ મહત્વના એવોર્ડ મેળવવા માટે એક મહિનાની તબતોડ મહેનત કરી હતી, છતાં મેનેજમેન્ટ તરફથી તેમને બદલે આવા તઘલકી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આથી ફિલ્ડમાં કર્મચારીઓમાં ભયંકર રોષ, અસંતોષ અને માનસિક તણાવ ફેલાયો છે. તેમના પરિવારો પણ ચિંતાતુર બની ગયા છે. સંઘે જણાવ્યું કે આ પ્રકારની તઘલકી અને અન્યાયી પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. ચોમાસાના સમયમાં કર્મચારીઓ વર્ક ટુ રૂલ અમલ કરશે અને ત્યારબાદ સામૂહિક આંદોલન કરીને લડત આપશે. પત્રમાં સંઘે પ્રશ્ર્ન કર્યો છે કે કંપની જો પોતાના કર્મચારીઓ પર અન્યાય કરે તો કર્મચારીઓ ન્યાય કોની પાસે માંગશે? આ પત્રની નકલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ઊર્જા મંત્રી, જીયુવીએનએલના અધિકારીઓ અને પીજીવીસીએલના તમામ સર્કલ/ ડિવિઝન અધિકારીઓને મોકલવામાં આવી છે. એમ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સીનિયર સેક્રેટરી જનરલ બળદેવ એસ. પટેલની યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ