પર્યાવરણ દિવસ નિમિત્તે કરૂણા ટ્રસ્ટ દ્વારા રોપા, બર્ડ ફિડર, કુંડાનું વિતરણ

વિવિધ સંસ્થાના સહયોગ થકી કાર્યક્રમ યોજાયો

વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે તા. 05 જૂન 2026, શુક્રવારના રોજ મેયર બંગલો, રેસકોર્સ રિંગ રોડ, રાજકોટ ખાતે નાગરિકોને તુલસી સહિતના વિવિધ રોપાઓ, પક્ષીઓ માટે માળા, પાણી પીવાના કુંડા-કુંડી તેમજ પક્ષીઓના ચણ માટે બર્ડ ફીડરનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજકોટ શહેરના મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી રોપા, બર્ડ ફીડર અને પાણીના કુંડા મેળવી પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન વન વિભાગ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, સ્વદેશી જાગરણ મંચ, જય સિયારામ મિત્ર મંડળ, સમર્પણ યંગ ગ્રુપ, વંદે માતરમ શિક્ષણ અને સેવા ટ્રસ્ટ તથા ચાણક્ય વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને તુલસીના રોપા, સેતુરીના રોપા, સીતાફળના રોપા તેમજ અન્ય વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પક્ષીઓ માટેના માળા, બર્ડ ફીડર, પાણીના કુંડા અને કુંડીનું પણ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેથી ઉનાળાની ગરમીમાં પક્ષીઓ અને અબોલ જીવજંતુઓને રાહત મળી શકે. વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રોપા, બર્ડ ફીડર અને પાણીના કુંડાના નિ:શુલ્ક વિતરણ અંગેના કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, દંડક સંજયસિંહ રાણા, પૂર્વ દંડક મનીષભાઈ રાડિયા, પૂર્વ કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડ્યા સહિતના મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિનોદભાઈ પેઢડિયા, નયનાબેન પેઢડિયા, જયેશભાઈ દોશી, તપનભાઈ, કિશોરભાઈ, પ્રણવભાઈ, ભરતભાઈ, જગદીશ ભાઈ વોરા, નિલેશભાઈ તથા મનસુખભાઈ સહિતના સેવાભાવી કાર્યકરો અને આગેવાનો દ્વારા વિશેષ યોગદાન આપવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે મો. 89801 65065 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ