13 લાખની કિંમતના ગાંજાના 37 છોડ કબ્જે કરતી પોલીસ
રાજકોટ શહેરના ત્રંબા ગામની સીમમાં સપાટો બોલાવીને મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર માદક પદાર્થના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. પોલીસને તેમના ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે ત્રંબા ગામના શાંતિધામ સ્મશાનથી આગળ વાડી તરફ જવાના કાચા રસ્તે આવેલી બાબુભાઈ ચકુભાઈ રૈયાણીની વાડીમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે આજીડેમ પોલીસે વાડીના દક્ષિણ સેઢા તરફ આવેલા આંબા અને ચીકુના બગીચાની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે આરોપીની ચાલાકી સામે આવી હતી. આરોપીએ અલગઅલગ ફળોના વૃક્ષોના ખામણામાં વચ્ચે છૂટક-છૂટક રીતે માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું અને તેની પદ્ધતિસર માવજત કરતો હતો. પોલીસે સ્થળ પરથી અનિયમિત આકારના, નાના-મોટા અને મૂળિયાં સહિતના કુલ 37 લીલા અને સૂકા છોડ શોધી કાઢ્યા હતા. આ વનસ્પતિજન્ય છોડના તાત્કાલિક પરીક્ષણ માટે રાજકોટથી એફ.એસ.એલ.ના સાયન્ટિફિક ઓફિસર કે. એમ. તાવીયાને કીટ સાથે સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. તેમણે પ્રાથમિક રાસાયણિક પરીક્ષણ કરીને આ છોડમાં કેનાબીસના સક્રિય ઘટકોની હાજરી હોવાનું પ્રમાણિત કર્યું હતું. આગળની કાયદાકીય કાર્યવાહી માટે સમગ્ર જથ્થો આજીડેમ પોલીસ ચોકી ખાતે લાવવામાં આવ્યો હતો. તોલમાપ અધિકારીએ સ્થળ પર આવવાનો ઇનકાર કરતા પોલીસે એક પ્રતિષ્ઠિત વેપારી રાજેશભાઈ રામજીભાઈ અવસ્થીને બોલાવીને પંચોની હાજરીમાં આ છોડનું ચોક્કસ વજન કરાવ્યું હતું. જેમાં 29 છોડ ધરાવતી માર્ક-અ બેગીનું ચોખ્ખું વજન 9.300 કિલોગ્રામ અને 8 છોડ ધરાવતી માર્ક-ઇ બેગીનું ચોખ્ખું વજન 16.700 કિલોગ્રામ આવ્યું હતું. આમ, કુલ 26 કિલોગ્રામ વજનના ગાંજાના છોડ, જેની અંદાજિત કિંમત રૂા. 13,00,000/- થાય છે અને આરોપી પાસેથી મળી આવેલ રૂા. 10,000/- ની કિંમતનો એક રેડમી મોબાઈલ ફોન મળી કુલ રૂા.13,10,000/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
