રાજકોટમાં તસ્કરો બે-લગામ : એનઆરઆઇના બંગલામાંથી પ.7પ લાખની ચોરી

લગ્નપ્રસંગ પતાવી પરિવાર યુએઇ જતો રહેતા બંધ બંગલાને નિશાન બનાવ્યો

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં એક ચોકાવનારો ચોરીનો બનાવ સામે આવ્યો છે. મૂળ રાજકોટના અને હાલ યુનાઈટેડ આરબ અમીરાત ના અજમાન શહેરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પ્રજાપતિ પ્રૌઢ રમેશલાલ જીવનભાઈ ગાધેરના બંધ મકાનને કોઈ અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું છે. ગત ફેબ્રુઆરી મહિનાથી બંધ રહેલા આ બંગલાના મેઈન ડોર અને સેફ્ટી ડોરના તાળા તોડીને અંદર પ્રવેશેલા તસ્કરે સોનાના બિસ્કીટ, એલઈડી ટીવી અને મોટી રકમની રોકડ સહિત કુલ રૂૂપિયા 5,75,000/- ની મતાની ચોરી કરી હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 305, 331(3) અને 331(4) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ફરિયાદની વિગત અનુસાર, ફરિયાદી રમેશલાલ ગાધેર ગત 8 જાન્યુઆરી 2026 ના રોજ પોતાના પરિવાર સાથે નાના ભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે યુએઈથી રાજકોટ આવ્યા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ 26 ફેબ્રુઆરી 2026 ના રોજ તેઓ પોતાના આ મકાનને વ્યવસ્થિત રીતે લોક કરીને પરત દુબઈ ફર્યા હતા. મકાન બંધ હોવાથી રાજકોટમાં જ રહેતા તેમના સાઢુભાઈ જગદીશભાઈ પાણખાણીયા દર ત્રણ-ચાર દિવસે આ મકાને આંટો મારવા જતા હતા. જગદીશભાઈ ગત 4 જૂનના રોજ આંટો મારીને ગયા ત્યારે બધું સલામત હતું, પરંતુ 9 જૂનના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે જ્યારે તેઓ ફરીથી મકાને પહોંચ્યા ત્યારે ઘરના મેઈન ડોર અને સેફ્ટી ડોરના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. તેમણે તુરંત જ દુબઈ રહેતા રમેશલાલને ફોન દ્વારા આ અંગેની જાણ કરી હતી. ચોરીની માહિતી મળતા જ રમેશલાલ ગાધેર તાત્કાલિક યુએઈથી નીકળીને 10 જૂનના રોજ સવારે રાજકોટ આવી પહોંચ્યા હતા. તેમણે ઘરમાં જઈને જોયું તો આખો સામાન અસ્તવ્યસ્ત અને વેરવિખેર પડ્યો હતો. તસ્કરે હોલમાં રાખેલું સેમસંગ કંપનીનું 30,000/- ની કિંમતનું 55 ઈંચનું એલઈડી ટીવી ચોરી લીધું હતું. ત્યારબાદ બીજા માળે આવેલા બેડરૂૂમના દરવાજાનો કાચ તોડીને અંદર પ્રવેશેલા તસ્કરે લોખંડની તિજોરીને નિશાન બનાવી હતી. ફરિયાદીએ તિજોરીની ચાવી અને બેંક લોકરની ચાવીઓ કપડાંની અંદર છુપાવીને રાખી હતી, જેને તસ્કરે શોધી કાઢી હતી. તસ્કરે તે ચાવી વડે તિજોરીનું અંદરનું ખાનું ખોલીને તેમાં રાખેલા 1-1 ગ્રામના 14 સોનાના બિસ્કીટ (આશરે કિંમત 70,000/-) અને રોકડા 4,75,000/- ની ચોરી કરી લીધી હતી. આ બનાવ અંગે રમેશલાલ ગાધેરે પોતાના પુત્ર સાગર સાથે ગાંધીગ્રામ પોલીસ મથકે રૂૂબરૂૂ આવીને અજાણ્યા ચોર વિરૂૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.પી.ગઢવીએ ગુનાની તપાસ પોતાના હસ્તક લીધી છે.

રિલેટેડ ન્યૂઝ