ટોળકીએ બોગસ કંપની ઉભી કરી ટેક્સના નામે કરોડો રૂપિયાનો ચુનો લગાડ્યાનું બેન્ક ઓડિટમાં ભાંડો ફૂટ્યો
મૂળ ગાંધીધામના અને હાલ ગાંધીનગરમાં રહેતા તેમજ એક્સિસ બેંકમાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર રામચંદ પોપટે અમદાવાદ શહેર સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે એક મોટી લોન ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. આ ગુનાની વિગત એવી છે કે ‘ઝેનિથ કોર્પોરેશન’ નામની ભાગીદારી પેઢીના પાર્ટનર્સ મનીષકુમાર ગોવિંદલાલ ડાંગી, ગીરીશભાઈ વિજેન્દ્ર ગોયલ અને હેમંત દેવીલાલ ડાંગીએ પરસ્પર મેળાપીપણું કરીને બેંકો સાથે વિશ્ર્વાસઘાતનું મોટું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ તા. 17/12/2021 થી તા. 09/06/2026 ના સમયગાળા દરમિયાન અલગ-અલગ ચાર પ્રતિષ્ઠિત બેંકોમાંથી કુલ રૂા.40.75 કરોડની લોન મેળવી હતી અને વ્યાજ સહિત ચૂકવવાની થતી કુલ રૂા.41.44 કરોડની રકમ આજદિન સુધી ન ચૂકવીને કૌભાંડ આચર્યું છે. આરોપીઓએ બેંકો પાસેથી વધુ ડ્રોઇંગ પાવર એટલે કે વધારે લોન સુવિધા મેળવવા માટે કાગળ પર ગુનાહિત માયાવિજાળ ઊભી કરી હતી. તેઓએ પોતાની જુદી-જુદી બોગસ કંપનીઓ બનાવીને તેમાં કોલસાના સ્ટોક અને માલની લેવડ-દેવડના ખોટા નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ દર્શાવ્યા હતા. એટલું જ નહીં, અન્ય કંપનીઓ પાસેથી પૈસા લેવાના બાકી હોવાની તેમજ કંપનીનો માલ પોર્ટ પર ઉપલબ્ધ હોવાની તદ્દન ખોટી માહિતી અને પુરાવાઓ બેંક સમક્ષ રજૂ કર્યા હતા.બેંક દ્વારા કરાવવામાં આવેલા સ્પેશિયલ ફોરેન્સિક ઓડિટમાં આ તમામ નાણાકીય ગેરરીતિઓ, કૌભાંડ અને બોગસ વ્યવહારોનો પર્દાફાશ થયો છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી મનીષકુમાર ડાંગીએ કંપનીના એચ.ડી.એફ.સી. બેંક એકાઉન્ટમાંથી ઓક્ટોબર 2022 દરમિયાન ઈઇઉઝ ટેક્સ ભરવાના બહાને રૂા. 3.15 કરોડ અને રૂા.3.79 કરોડની એન્ટ્રીઓ પાડી હતી. વાસ્તવમાં આ કરોડોની રકમનો ઉપયોગ તેણે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી ’કલહાર એક્ઝોટિકા સોસાયટી’માં વ્યક્તિગત મિલકત ખરીદવા અને તેના ઝઉજ ભરપાઈ માટે કર્યો હતો. આ ઉપરાંત, અલગ-અલગ એન્ટ્રીઓ દ્વારા પોતાના અને પોતાના પરિવારના બેંક ખાતાઓ અંદાજે રૂા.10 કરોડ જેટલી મોટી રકમ પર્સનલ હિત માટે ટ્રાન્સફર કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. એક્સિસ બેંકના ચીફ ઓફ ઇન્ટરનલ વિજીલન્સ નિતિન અરોરા (મુંબઈ) દ્વારા અગાઉ સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર ખાતે આપવામાં આવેલી અરજીના આધારે આખરે કાયદેસરની એફ.આઇ.આર. રજૂ કરવામાં આવી છે. ડેટા અનુસાર એક્સિસ બેંક દ્વારા અમદાવાદની ડેબ્ટ્સ રિકવરી ટ્રિબ્યુનલ કોર્ટમાં પણ કેસ દાખલ કરાયેલો છે.
