રાજકોટ પાસે ત્રિપલ અકસ્માત: માતા-પુત્રી સહિત ત્રણ લોકોના મોત

કુચિયાદડ ગામે કારખાનામા નોકરી કરી ઈકો કારમાં પરત ફરતા મોટી મોલડીના બે પરિવારને નડ્યો અકસ્માત, ચારને ઈજા: ટેન્કર, ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તોની ચીચીયારીઓથી રોડ ગુંજી ઉઠ્યો

રાજકોટ-અમદાવાદ હાઈવે જાણે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટ નજીક આવેલા કુચિયાદડ ગામે કારખાનામાં નોકરી કરી મોટી મોલડીમાં બે પરિવારના સભ્યો ઈકો કારમાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બેટી રામપર ગામ પાસે ટેન્કર, ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતા ધુનાબેન દિનેશભાઈ ડાભી ઉ.વ.25, લાભુબેન વિનુભાઈ મેઘાણી ઉ.વ.55 અને તેમની પુત્રી વિલાશબેન વિનુભાઈ મેઘાણી ઉ.વ.22, રમેશભાઈ ગગજીભાઈ ડાભી, લીલાબેન ગગજીભાઈ ડાભી, પુરીબેન દિનેશભાઈ ડાભી, શ્રદ્ધાબેન દિનેશભાઈ ડાભી અને પ્રકાશભાઈ સહિતના ઈકો કારમાં બેસી કુચિયાદડથી મોટી મોલડી તરફ જઈ રહ્યા હતા ત્યારે બેટી રામપર ગામ નજીક ઈકો કાર, ભારત પેટ્રોલિયમના ટેન્કર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટેન્કરના કેબીનનો અને ઈકો કારનો બુકડો બોલી ગયો હતો. ઈકો કારમાં સવાર ધુનાબેન ડાભી, લાભુબેન મેઘાણી અને વિલાસબેન મેઘાણીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. ઘટનાને પગલે ઈકો સવાર લોકોએ ચીચીયારી કરી મુકતા રોડ ગુંજી ઉઠ્યો હતો.
ઘટનાને પગલે વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા તાત્કાલીક બચાવકામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ અને એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માત ગ્રસ્ત વાહનોને ક્રેઈનની મદદથી સાઈડમાં કરી ટ્રાફિકજામ હળવો કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં અકસ્માતમાં મોતને ભેટેલા અને ગંભીર રીતે ઘવાયેલા લોકો મુળ મોટી મોલડી ગામના વતની હતી. અને રાજકોટની ભાગોળે આવેલા કુચિયાદળ ગામે જીઆઈડીસીમાં આવેલા બેગના કારખાનામાં નોકરી કરતા હતાં. મોટી મોલડી ગામના બન્ને પરિવારો નોકરી કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ