પુ. સુનિતાબાઈ મહાસતીજીની નિશ્રામાં ઉપાશ્રય ખાતે નમસ્કાર મહામંત્રના જાપ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે રોયલ પાર્ક સ્થા. જૈન સંઘ, ઓમાનવાલા ઉપાશ્રય તથા સી.એમ. શેઠ પૌષધશાળા ખાતે નમસ્કાર મહામંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સુનિતાબાઈ મહાસતીજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક- શ્રાવિકાઓ અને શુભેચ્છકોએ હાજરી આપી સ્વ. વિજયભાઈ રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક વર્ષ પૂર્વે 12 જૂન, 2025ના રોજ બનેલી વિમાની દુર્ઘટનામાં ગુજરાતે એક કુશળ વહીવટકર્તા, દુરંદેશી નેતા, આધુનિક રાજકોટના શિલ્પી અને સંવેદનશીલ વ્યક્તિત્વને ગુમાવ્યા હતા. તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ તેમને યાદ કરી ભાવવિભોર બન્યા હતા. ખચાખચ ભરાયેલા હોલમાં નમસ્કાર મહામંત્રના જાપ દરમિયાન ભક્તિમય અને ભાવુક વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી, ઋષભભાઈ રૂપાણી તથા પરિવારજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, મિલનભાઈ કોઠારી, કેતનભાઈ સંઘવી, નયનાબેન મોદી, વીણાબેન શેઠ, નિતિન મહેતા, જીતુભાઈ શેઠ, કલ્પેશ ગોંડા, પ્રદીપ મહેતા, વખારિયા સહિત અનેક સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનો તેમજ વિવિધ જૈન સંઘોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સાધ્વી રત્ન પૂજ્ય સુનિતાબાઈ મહાસતીજી અને સાધ્વી રત્ન પૂજ્ય શ્વેતાંશીબાઈ મહાસતીજીની નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સૌએ શ્રદ્ધાપૂર્વક જાપમાં ભાગ લીધો હતો. સંઘ પ્રમુખ સી.એમ. શેઠે પણ જાપમાં સહભાગી બની સૌને પ્રેરણા આપી હતી. ધારાસભ્ય દર્શિતાબેન શાહે સ્વ. વિજયભાઈ રૂપાણીને યાદ કરતાં ભાવુક શબ્દોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌને પ્રભાવના આપવામાં આવી હતી. સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં શ્રી રોયલ પાર્ક મોટા સંઘ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 1000 લાડુઓનું વિતરણ તેમજ જરૂરિયાતમંદ પરિવારો માટે વિનામૂલ્યે ખીચડી પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
