રાજકોટે લોકસેવાને સમર્પિત વરિષ્ઠ મોભી ગુમાવ્યા
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વર્ષો જુના સ્વંયસેવક અને ભારતીય જનસંઘના અને ભાજપના અગ્રણી રાજકોટના પૂર્વ મેયર અને રાજકોટ મહાનગરપાલિકામાં સાત સાત ટર્મ કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અને સેવાકીય કાર્યના માધ્યમથી જ જાહેરજીવનમાં પોતાની ઓળખ ઉભી કરનારા જનકભાઇ મોરારજીભાઈ કોટકના નિધનથી ભાજપ જ નહી પરંતુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પણ પોતાનો એક સાચો સ્વયંસેવક-કાર્યકર અને આદર્શ લોક સેવક ગુમાવ્યો છે તેમ જણાવી પ્રદેશ ભાજપના અગ્રણી રાજુભાઈ ધ્રુવે શબ્દાંજલિ આપી છે. તેમણે કહ્યુ છે કે, સ્વ. જનકભાઈ ખરા અર્થમાં સેવા કાર્યોને વરેલા હતા. તેમણે ઉમેર્યું છે કે, મહાપાલિકાની ચૂંટણીમાં સતત સાત સાત ટર્મ સુધી ચૂંટાયેલા સ્વ જનકભાઈની લોકપ્રિયતા ઘણી હતી અને કોઈ પણ વ્યક્તિના કામ માટે હંમેશા પડખે ઉભા રહેતા હતા. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના 1973 માં કરવામાં આવેલ અને 1975માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનસંઘના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 17 એટલે જંકશન પ્લોટ; કોઠી કમ્પાઉન્ડ ; કૈલાસવાડી સહિતના વિસ્તારોમાં થી જંગી બહુમતી થી વિજેતા થયા ત્યારથી માંડીને 1981;1987;1995; 2000;2005;2010 કુલ મળીને સાત સાત ટર્મ સુધી એકજ વોર્ડમાંથી સતત ચૂંટણીમાં વિજેતા બની સમગ્ર વિસ્તારને ભાજપના મજબૂત ગઢ તરીકે અંકિત કરેલ હતો. રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું છે કે, સ્વ.કોટક નું સમગ્ર પરિવાર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના રંગે રંગાયેલું છે. જંકશન પ્લોટ વિસ્તારમાં લાગતી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ ની શાખામાં એક જ પરિવાર ના ચાર ચાર પેઢીના સભ્યો જોડાયેલા છે. સ્વ. કોટકની વિદાય એક સામાજિક; રાજકીય મોટી ખોટ સમગ્ર રાજકોટ શહેર ને રહેશે.
