નાશી છુટેલા 11 બાળ આરોપીઓમાંથી 8 ની અટકાયત કરી સઘન પુછપરછ આદરી
ગોંડલ રોડ પર આવેલા સરકારી બાળ સંરક્ષણ ગૃહ (ઓબ્ઝર્વેશન હોમ)માંથી કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળ આરોપીઓ દીવાલ કૂદીને ફરાર થઈ જવાના મામલે પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અતિ સંવેદનશીલ ગણાતી આ ઘટનાની ગંભીરતા જોઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશથી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર એવા પાકિસ્તાની કિશોર સહિત 6 આરોપીઓને ઝડપી પાડી ફરી કસ્ટડીમાં લીધા છે.આ બનાવ બાદ અન્ય પાંચને ઝડપી લેવા અલગ અલગ ટીમ કામે લાગી હતી જેમાં વધુ બે બાળ આરોપીઓ પકડાઈ ગયા છે. હવે ફરાર અન્ય ત્રણની શોધખોળ શરૂૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા સાતીર ગુનાહિત માનસિકતા ધરાવતા કિશોરો દ્વારા ઘડાયેલું સુઆયોજિત કાવતરું હતું. કિશોરોએ પોતાની ગતિવિધિઓ છુપાવવા શનિવારે પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી હતી. ત્યારબાદ રવિવારે સવારે એક કિશોરે પૂર્વઆયોજિત પ્લાન મુજબ પોતાના જ હાથ પર બ્લેડના ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી. ફરજ પરના સિક્યોરિટી ગાર્ડે સારવાર અર્થે લોખંડની ગ્રીલ ખોલતા જ, ઘાત લગાવીને બેઠેલા અન્ય 11 કિશોરો સેક્ધડોમાં પાછળની દીવાલ કૂદી નાસી છૂટ્યા હતા. નાસી છૂટેલા 14 થી 17 વર્ષની વયના આ કિશોરો સામે ખૂન, લૂંટ, દુષ્કર્મ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ટોળકીમાં સરહદ ઓળંગીને પકડાયેલો 17 વર્ષનો પાકિસ્તાની કિશોર પણ સામેલ હતો, જેને મુંબઈ ભાગવું હોવાથી તેણે જ આ આખો પ્લાન ઘડ્યો હોવાનું ખૂલ્યું છે. ઘટના સમયે ગૃહમાં કુલ 54 બાળકો હતા. આ ઘટનાને પગલે સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા અને મોનિટરિંગ સિસ્ટમ સામે ગંભીર સવાલો ખડા થયા છે. ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને એલસીબી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની અલગ-અલગ ટીમો રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર સઘન ચેકિંગ કરી ફરાર આઠ કિશોરોને ઝડપી લીધા છે. જયારે ફરાર ત્રણની શોધખોળ ચલાવી રહી છે.
