મહિલાએ વકિલ મારફતે નોટીસ પાઠવતા વૃદ્ધે ઝેરી પાવડર પી જીવન ટુંકાવી લીધુુંં
શહેરમાં વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા અવાર નવાર લોક દરબાર યોજવામાં આવે છે. આમ છતા વ્યાજખોરીનુ દુષણ નાબુદ થવાનુ નામ લેતુ નથી. શહેરમાં અવાર નવાર વ્યાજખોરોના ત્રાસથી લોકો આપઘાત કે આપઘાતના પ્રયાસ કરતા હોવાના બનાવો સામે આવે છે. ત્યારે વધુ એક બનાવમાં મહિલા વ્યાજખોરના ત્રાસથી મનપાના નિવૃત્ત કર્મચારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વૃધ્ધે સારવાર દરમ્યાન હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં પેડક રોડ પર બી ડિવિઝન પોલસ મથકની સામે આવેલા આવાસ કાવર્ટરમાં રહેતા મનપાના નિવૃત્ત સફાઇ કામદાર મોહનભાઇ કરશનભાઇ વાઘેલા નામના 67 વર્ષના વૃધ્ધ સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે ઘઉંમાં નાખવાનો પાવડર પાણીમાં ભેળવી પી ગયા હતા. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા ટૂંકી સારવાર દરમ્યાન વૃધ્ધનું મોત નિપજતા પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલના બીછાને સારવાર દરમ્યાન મોહનભાઈ વાઘેલાએ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ચારેક વર્ષ પહેલાં પાડોશમાં રહેતાં દીનાબેન પાસેથી સગાઈના પ્રસંગ માટે તેની પત્નીએ રૂૂા. 1.20 લાખ વ્યાજે લીધા હતા. બદલામાં બે કોરા ચેક આપ્યા હતા. જે-તે વખતે 10 ટકા વ્યાજની વાત કરતાં દર મહિને રૂૂા. 12500 વ્યાજ પેટે આપતા હતા. 6 મહિના સુધી વ્યાજ આપ્યું હતું. આ પછી દીનાબેને 20 ટકા વ્યાજ કરી દેતાં રૂૂા. 22 હજાર આપવાનું શરૂૂ કર્યું હતું. દોઢેક વર્ષ સુધી વ્યાજ આપ્યા બાદ પત્નીની બિમારીના કારણે વ્યાજ ચુકવી શકયા ન હતા. આ પછી દીનાબેને તેની પત્નીના નામે રૂૂા. 1 લાખની લોન કરાવી પોતાની પાસે રકમ રાખી વ્યાજ પેટે ગણી લીધી હતી. ત્યાર બાદ પેન્શનમાંથી રૂૂા. 75 હજાર આપ્યા હતા. આ પછી વ્યાજ આપવાનું બંધ કરી દેતાં દસેક દિવસ પહેલાં વકિલ મારફત નોટિસ મોકલી હતી. સાથો- સાથ જો વ્યાજની રકમ નહીં મળે તો તેના દિકરાને કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં કંટાળીને આત્મઘાતી પગલું ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. પોલીસે ફરિયાદના આધારે વ્યાજખોર મહિલા સામે તપાસનો દોર લંબાવ્યો છે.
